બાઇડેને અમેરિકાને ફરીથી પેરિસ જળવાયુ સંધિ સાથે જોડ્યું, ૧૩ મુસ્લિમ દેશોના પ્રવાસીઓ પરના પ્રતિબંધને હટાવ્યો, મેક્સિકોની દીવાલનું નિર્માણ અટકાવ્યું, કોરોના મહામારી અંગેના મહત્વના એક્ઝિક્યુટિવ આદેશો પર હસ્તાક્ષર કર્યા • બાઇડેને અમેરિકાની નાગરિકતા મેળવવાના નિયમો સરળ બનાવતા લાખો ભારતીયોને રાહત

 

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૧
જો બાઇડેને અમેરિકાનું પ્રમુખપદ સંભાળતાની સાથે જ પ્રથમ દિવસે જ ઘણા ઐતિહાસિક પગલાં લીધા. તેમણે ટ્રમ્પ સરકારના અનેક મહત્વના નિર્ણયોને પલટી નાંખ્યા. જેમાં ઘણા મુસ્લિમ દેશો પર મુકાયેલો ટ્રાવેલ પ્રતિબંધ પણ હટાવી લીધો. ઉપરાંત અમેરિકા ફરીથી પેરિસ જળવાયું સંમેલનમાં સામેલ થવા અંગે હસ્તાક્ષર કરી દીધા. શપથગ્રહણ સમારંભ બાદ કામ શરૂ કરવા માટે વ્હાઇટ હાઉસ જતાં પહેલાં પ્રમુખ બાઇડેને સોશિયલ મીડિયા પર પોતાના વિચાર મૂક્યા. તેમણે લખ્યું કે, “આપણે આપણી સામે ઊભેલા સંકટમાંથી બહાર આવવાનું છે, આપણી પાસે સમય નથી.”
પ્રમુખ બનતા જ જો બાઇડેને સૌથી પહેલાં ૧૭ એક્ઝિક્યૂટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. જેમાં કોરોના મહામારીનો સામનો કરવામાં સરકારને મદદ મળવા અંગેને ઓર્ડર પણ સામેલ છે. તેમણે જળવાયુ સંકટ અને અપ્રવાસી મામલે ટ્રમ્પ સરકારની નીતિઓ બદલી નાંખવાના આદેશ પર પણ મહોર મારી દીધી. અગાઉ પોતાની ઓવલ ઓફિસમાં કાળુ માસ્ક પહેરીને આવેલા બાઇડેને તેમણે પત્રકારો સાથે વાતચીત કરી. જેમાં તેમણે પોતાની પ્રાથમિક્તાઓમાં કોવિડ-૧૯ સંકટ, આર્થિક સંકટ અને જળવાયું સંકટ હોવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે પૂર્વ પ્રમુખ ટ્રમ્પે ઘણા મુસ્લિમ દેશો અને આફ્રિકી દેશોના મુસ્લિમો પર અમેરિકામાં પ્રવેશબંધી લગાવી હતી. પરંતુ બાઇડેને હોદ્દો સંભાળ્યાના પ્રથમ દિવસે જે ઘોષણાઓ કરી તેમાં મેક્સિકોની સરહદે દિવાલના નિર્માણમાં મદદ કરવી અને ૧૩ દેશોના યાત્રીઓ પર મુકાયેલા પ્રતિબંધને હટાવવાનું સામેલ છે. આ ૧૩ દેશોમાં મોટા ભાગના મુસ્લિમ બહુમતિવાળા અને આફ્રિકી દેશો છે. ઇમિગ્રેશન મામલે બાઇડેને એક મહત્વના મેમોરેન્ડમ પર પણ હસ્તાક્ષર કર્યા. જે નિર્વાસિત બાળકો તરીકે અમેરિકામાં આવેલા પ્રવાસીઓની સુરક્ષા માટે છે. તેનાથી બાળક તરીકે અમેરિકામાં આવેલા અને ઘણા વર્ષો સુધી અમેરિકી વિકાસમાં યોગદાન આપનારા લોકોને અમેરિકી નાગરિકતા મળી શકશે. અગાઉ બુઘવારે બાઇડેને વિશેષ સમારંભમાં દેશના ૪૬મા પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા. જેમાં કોરોના મહામારીને કારણે બહુ પાંખી હાજરી હતી. પરંતુ ત્રણ પૂર્વ પ્રમુખ બરાક ઓબામા, બિલ ક્લિન્ટન અને જોર્જ બુશ હાજર હતા. ટ્રમ્પની ગેરહાજરી સ્પષ્ટ દેખાતી હતી. અલબત્તત તેમના નાયબ રહેલા માઇક્‌ પેન્સ સમારંભમાં મોજૂદ હતા. જો બાઇડેને સ્પષ્ટ કર્યું કે ટ્રમ્પ સરકારના નિર્ણચોને કારણે દેશને જે નુકસાન થયું છે. તેને બદલવા અને દેશને આગળ લઇ જવા માટે તેઓ એક્શન લેશે.