(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૧
દિલ્હીના શાહીનબાગ ખાતે નાગરિકતા સુધારા કાયદા અને પ્રસ્તાવિત એનઆરસી વિરૂદ્ધ સડક પર કરવામાં આવેલા પ્રદર્શનો અંગેનો ચુકાદો સુપ્રીમ કોર્ટે સલામત રાખ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, ટોચની અદાલત વિવાદના પગલે વિરોધ પ્રદર્શનનો અધિકાર નક્કી કરવા ચુકાદો સંભળાવશે. સુનાવણી દરમ્યાન કોર્ટે ટિપ્પણી કરી હતી કે, લોકોની અવરજવરના અધિકાર સાથે વિરોધના અધિકાર વચ્ચે સમતોલન હોવું જોઈએ. જસ્ટિશ એસ. એ. કૌલે જણાવ્યું હતું કે, વિરોધ કરવાનો અધિકાર સંપૂર્ણ નથી પણ છતાં એક અધિકાર છે. એક સાર્વભૌમિક નીતિ નથી હોઈ શકતી કેમ કે, દર વખતે સ્થિતિઓ અને તથ્ય અલગ-અલગ હોય છે. સંસદીય લોકશાહીમાં હંમેશા ચર્ચા કરવાની તક રહેલી છે. એકમાત્ર મુદ્દો એ છે કે, તેમાં સમતોલન જાળવવામાં આવે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, નિયુક્ત કરવામાં આવેલા મધ્યસ્થીઓના અહેવાલની પણ કોર્ટ સમીક્ષા કરશે. આ અગાઉ કોર્ટે અરજીકર્તાઓના વકીલોને જણાવ્યું હતું કે, પ્રદર્શન પૂરા થઈ ગયા છે ત્યારે શું તમે અરજી પાછી ખેંચી રહ્યા છો. આ અંગે અરજીકર્તાઓએ નામાં જવાબ આપ્યો હતો. કેન્દ્ર તરફથી એસજી તુષાર મહેતાએ જણાવ્યુંં હતું કે, અગાઉ સુપ્રીમ કોર્ટે મામલામાં કોઈપણ હસ્તક્ષેપ અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો હતો. લોકો વિરોધ પ્રદર્શન કરવાના પૂર્ણ અધિકારનો દાવો કરી શકતા નથી. પણ તેમનું માનવું છે કે, લોકો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અધિકાર ધરાવે છે. જોકે આવા પ્રદર્શનો દ્વારા સડકને બ્લોક કરી લોકોેને તકલીફ થાય તેવું કૃત્ય આચરવું જોઈએ નહીં. અરજીકર્તાએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં આવા વિરોધ પ્રદર્શનો ચાલુ ન રહેવા જોઈએ. વ્યાપક જનહિતમાં એક મોટો નિર્ણય લઈ શકાય છે. સુ્‌પ્રીમ કોર્ટે એક વિસ્તૃત ચુકાદો આપવો જોઈએ. રાજ્કીય મજબૂરી આવા વિરોધને જારી રાખવાનું કારણ ન બની શકે. જો કે ભીમ આર્મીના ચંદ્રશેખર આઝાદ અને અન્ય તરફથી બચાવ માટે હાજર રહેલા વકીલે જણાવ્યું હતું કે, જો આ પ્રકારનો વિરોધ શાંતિથી થઈ રહ્યો હોય તો કોઈ નિર્દેશ આપવાની જરૂરિયાત નથી.