(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૭
સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હીની કેજરીવાલ સરકારને સિલિંગની કામગીરીમાં મંથર ગતિ અને પ્રદૂષણ બદલ રૂા.પ૦ હજારનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, દિલ્હી સરકાર આ સમસ્યાઓ પ્રત્યે ગંભીર નથી. જો કે દિલ્હી સરકાર તરફથી બચાવ કરતા અદાલતમાં જણાવવામાં આવ્યું હતું કે, કોર્ટ નોટિસને સમજવામાં ગેરસમજ થઈ હતી. દરમ્યાન કોર્ટે જણાવ્યું હતું કે, અમે તમને હિન્દીમાં સમજાવીશું પછી તમે રિપોર્ટ દાખલ કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, કોર્ટે પોતાના નિર્દેશમાં કહ્યું હતું કે, સંવેદનશીલ મુદ્દા અંગે સરકારની આળસ અને બેજવાબદારીપૂર્વકનું વલણ સમસ્યાને ઉકેલી શકશે નહીં. દર વખતે તમે બચાવમાં કારણો રજૂ કરી છટકી જાઓ છો અને નિર્દેશોનું પાલન કરતાં નથી.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, દિલ્હી સરકાર જમીનો પર ગેરકાયદેસર કબજા મામલે ગંભીર નથી. સિલિંગ ઝુંબેશ પ્રત્યે કામગીરી ઘણી ધીમી છે. જેથી જ તેમણે કોર્ટ સમક્ષ ફોટો, વીડિયો કે એક્શન પ્લાન રજૂ કર્યા નથી.