(સંવાદદાતા દ્વારા)
વડોદરા તા.૨૯
વડોદરામાં ભાજપના યુવા મોરચના પ્રદેશ ઉપપ્રમુખે સાંસદ અને ભાજપ શહેર પ્રમુખ રંજનબેન ભટ્ટ વિરૂધ્ધ ગંભીર આક્ષેપો સાથેની પોસ્ટ સોશ્યલ મિડીયા પર મુકતા વિવાદ થયો છે. પક્ષના જ યુવા નેતાએ સોશ્યલ મિડીયા પર કરેલી પોસ્ટથી રાજકીય ગરમાવા સાથે વડોદરા ભાજપમાં કાંઇ ઠીક નહીં હોવાનું સામે આવ્યું છે. શિસ્ત અને પારદર્શક વહીવટના દાવા કરતી ભારતીય જનતા પાર્ટીમાં સાંસદ જેવા હોદ્દા પર બેઠેલા નેતા સામે પક્ષનાં જ યુવા નેતાઓ ગંભીર આક્ષેપો કરતાં ભારે ખળભળાટ મચ્યો છે. ભાજપ પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ વિકાસ દુબેએ તેમના સોશ્યલ મિડીયાના એકાઉન્ટ પર ગઇકાલે રાત્રે એક પોસ્ટ કરતાં ભારે વિવાદ થયો છે. તેમને કરેલી પોસ્ટમાં તેઓએ સાંસદ અને ભાજપના શહેર પ્રમુખને હિટલર અને ભ્રષ્ટાચારી ગણાવતા રાજકીય મોરચે ગરમાવો આવ્યો છે. વિકાસ દુબેએ ગઇકાલે રાત્રે તેમના ફેસબુક એકાઉન્ટ પરથી એક પોસ્ટ કરી હતી જેમાં તેઓએ લખ્યું હતું કે, વડોદરા ભાજપા શહેર પ્રમુખ એવું સાંસદ કી હિટલરશાહી એવં ભ્રષ્ટાચાર કે વિરૂધ્ધ એક જન આંદોલન. મેરા નિર્ણય હી મેરા વચન. વિકાસ દુબેએ ફેસબુક પર કરેલી પોસ્ટથી ભાજપના કાર્યકર્તાઓ અને તેમના ફોલોઅર્સમાં સોપો પડી ગયો હતો. જોકે વિવાદ વધતા અંતે તેઓએ પોસ્ટને ડીલીટ કરી ફેસબુક પર સોરી રંજનબેન ભટ્ટ લખી માફી માગી હતી અને આ કમેન્ટ પણ ડીલીટ કરી હતી. વિકાસ દુબેએ અગાઉ પણ ફેસબુક પર પોતાનો બળાપો ઠાલવ્યો હતો. તેઓએ કાર્યકર્તાઓની આવગણના અને નેતાઓની કરોડો રૂપિયાની સંપત્તિ સામે કટાક્ષ કરતી પોસ્ટ પણ મુકી હતી. આ સંદર્ભે વિકાસ દુબેનો સંપર્ક સાંધતા તેઓનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. જોકે શિસ્તની પાર્ટીમાં યુવાનેતાઓ કરેલા ભ્રષ્ટાચારના અને હિટલરશાહીના આક્ષેપ અંગે મોવડી મંડળને રજૂઆત સાથે પગલા ભરવામાં આવશે તેવી માહિતી મળી છે.
આ અંગે રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, વિકાસ દુબેએ જે ગંભીર આક્ષેપો કર્યા છે તેનો જવાબ તેઓ જ આપી શકે તેમ છે. હું કાર્યકતાઓની સાથે રહીને કામ કરૂ છું. તેઓએ જે આક્ષેપ કર્યા છે તેની સ્પષ્ટતા માંગવામાં આવશે. આ સમગ્ર બાબત સંદર્ભે મોવડી મંડળનું ધ્યાન ડહોળવામાં આવશે. મારી ઉપર જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે બહુ ગંભીર બાબત છે, અને ચોક્કસ પગલા ભરાશે.
જ્યારે યુવા મોરચાનાં ઉપપ્રમુખ વિકાસ દુબેએ જણાવ્યું હતું કે, યુવા કાર્યકરોની સતત અવગણનાં કરવામાં આવી રહી છે. કાર્યક્રમોમાં અમોને બોલાવવામાં આવતા નથી. જેથી મે આ પોષ્ટ કરી છે. ભ્રષ્ટાચારનાં આક્ષેપ કર્યા છે તે મારી ભુલ છે જેની મે જાહેરમાં માફી માંગી છે. પરંતુ બીજી વાત બિલકુલ ચાલી લખી છે.