(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
પ્રદ્યુમ્ન હત્યા કેસમાં કેટલાક નવા ખુલાસા થાય તેવી શક્યતા દેખાઇ રહી છે. સીબીઆઇ દ્વારા ઝીંણવટભરી રીતે તપાસ કરવામાં આવી રહી છે. સીબીઆઇ દ્વારા ૧૧માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની ધરપકડ કર્યા બાદ તેના આધાર પર વધારે કેટલાકને સકંજામાં લે તેવી શક્યતા છે. સીસીટીવી ફૂટેજના આધાર પર તપાસને તીવ્ર બનાવી દેવામાં આવી છે. સીબીઆઇની રડારમાં ચાર બીજા વિદ્યાર્થીઓ આવી ગયા છે. જો કે હાલમાં તપાસ અધિકારી કોઇ પણ માહિતી આપવાનો ઇન્કાર કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ પૈકી એકની પૂછપરછ કરવામાં આવી ચૂકી છે. સીબીઆઇના સૂત્રોના કહેવા મુજબ બીજા વિદ્યાર્થીઓની શંકાના આધાર પર પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે. ગુરૂગ્રામના રાયન ઇન્ટરનેશનલ સ્કૂલના બીજા ધોરણના વિદ્યાર્થી પ્રદ્યુમ્ન ઠાકુરની હત્યાના મામલામાં સીબીઆઈ દ્વારા બસ ક્લીનર અશોકને ક્લીનચીટ આપી દેવામાં આવી છે. તેના પર સૌથી પહેલા શંકા રહેલી છે. આ મામલામાં ગુરૂગ્રામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા ક્લીનરને સીબીઆઈએ ક્લીનચીટ આપી દીધી છે. સીબીઆઈએ આ મામલામાં સ્કૂલના ૧૧માં ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની મંગળનારના દિવસે ધરપકડ કરી હતી. ત્યારબાદથી ક્લીનરની ધરપકડને લઇને પ્રશ્નો ઉઠી રહ્યા હતા. અશોકના જામીન ઉપર ૧૬મી નવેમ્બરના દિવસે સુનાવણી થશે. આ કેસમાં ગુરૂગ્રામના ૧૨ એસોસિએશનના તમામ વકીલોએ આરોપી તરફથી કેસ લડવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ રોહતકના વકીલ મોહિત વર્મા આરોપી અશોકનો કેસ લડવા માટે તૈયાર થયો હતો. પ્રદ્યુમ્ન હત્યા કેસમાં જે રીતે તપાસ આગળ વધી રહી છે તે રીતે નવી ચીજો સપાટી ઉપર આવી રહી છે. સીબીઆઈના નવા ધડાકાથી એક બાજુ બસ ક્લીનર અશોકને મોટી રાહત થઇ ગઇ છે. પ્રદ્યુમ્ન હત્યા કેસમાં કેટલીક નવી ચીજો સપાટી ઉપર હજુ પણ આવી શકે છે.