(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૩
વડોદરા શહેરમાં સ્લમ ફ્રી સીટી અંતર્ગત પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનાઓ ચાલી રહી છે. આ યોજનાઓમાં રૂા.૧૩ થી ૧૫ હજાર કરોડનું કૌભાંડ થયું છે. આ યોજના તાત્કાલીક બંધ કરવા અને આવાસ યોજનામાં થયેલા કૌભાંડની યોજનાની તપાસ સીબીઆઇને સોંપવાની માંગણી જાગો વડોદરા જાગો સંસ્થાનાં કાર્યકરોએ પત્રો લખીને વડાપ્રધાન સમક્ષ કરી છે. આ અંગે આવેદનપત્ર વડાપ્રધાનને પહોંચતું કરવા માટે સંસ્થાનાં હોદ્દેદારોએ આજે જિલ્લા કલેકટરને આવેદન પત્ર સોંપ્યું હતું.જાગો વડોદરા જાગો સંસ્થાના અગ્રણીઓ નરેન્દ્ર રાવત અને અમી રાવતે આજે જિલ્લા કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, વડોદરા લોકોની અને સરકારની ક્રાઇમ લોકોશનવાળી કિંમતી ૮૬.૬૦ લાખ સ્કેવરફુટ જમીનો આવાસ યોજનાના નામે બિલ્ડરોનાં હાથમાં પધરાઇ દેવામાં આવી છે, બિલ્ડરો આઇએએસ કક્ષાના અધિકારીઓ, ધારાસભ્યો, સ્થાનીક રાજકારણીઓ દ્વારા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનાના રૂા.૧૩ થી ૧૫ હજાર કરોડનું રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જે યોજના તાત્કાલીક બંધ કરવા માંગણી કરી છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કૌભાંડ બાબતે રજુઆત કરવામાં આવી છે. જે સંદર્ભે ભારત સરકારનાં મિનીસ્ટી ઓફ હાઉસીંગ અને અર્બન એફેર્સનો સ્વતંત્ર હવાલો ધરાવતા કેન્દ્રીયમંત્રી હરદીપ પુરીના મંત્રાલય દ્વારા ભારત સરકારનાં સચીવ દુર્ગાશંકર મિશ્રાએ ગુજરાત સરકારનાં અર્બન ડેવલોપમેન્ટ મિશનનાં શહેરી વિકાસ અને શહેરી મકાનોનાં પ્રિન્સીપાલ સેક્રેટરી મુકેશ પુરીને તપાસ સોંપવામાં આવી છે. આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે, વડોદરાનાં વારસીયા સંજયનગર આવાસ યોજનાનાં રૂા.૨ હજાર કરોડનાં કૌભાંડની તપાસ ગુજરાત સરકાર દ્વારા અધિક મુખ્યસચિવ પુનમભાઇ પરમારને સોંપવામાં આવી હતી. પરંતુ આજદીન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ કૌભાંડમાં ભીનું સંકેલવામાં આવી રહ્યું છે.
આ સંજોગોમાં વડોદરા શહેરમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રી આવાસો માટે ૮૬.૬૦ લાખના સ્કવેર ફુટ જમીન બિલ્ડરોનાં હાથમાં પધરાવી દઇને રૂા.૧૩ થી ૧૫ હજાર કરોડનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. ત્યારે આ યોજનાઓ તાત્કાલીક બંધ કરાવવા અને સીબીઆઇને તપાસ સોંપવા જાગો વડોદરા સંસ્થાએ વડાપ્રધાન સમક્ષ માંગણી કરી છે.