(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૮
સરકારી આવાસ યોજના નામે ઠગાઈ કરવાના કિસ્સામાં વધતા જાય છે. હવે પ્રધાનમંત્રી બેરોજગાર યોજનાની લોન અપાવવાને બહાને અમદાવાદની ચીટર મહિલાએ ૨૮ વ્યકિત પાસેથી રૂ. ૭૮,૪૦૦ ખંખેરી લીધા હતા. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના નવાગામ-ડીંડોલી અંબિકા નગર-૨માં રહેતા આરતીબેન બિન્દ્ર મહાદેવ યાદવે આરોપી આરતી બિહોણા (રહે. અમદાવાદ ચાંદખેડા) વિરુદ્ધ ફરિયાદ આપી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ સને ૨૦૧૭માં આરોપી આરતી બિહોણાએ ફરિયાદી સહિત ૨૮ જણાંને પ્રધાનમંત્રી બેરોજગાર યોજના અન્વયે મળતી રૂપિયા એકથી બે લાખની લોન અપાવવાની લાલચ આપી હતી. જેનો હપ્તો રૂા. ૭૫૦ અને ૧૨૦૦ આપશે. તથા ૩૦ ટકા અને ૩૫ ટકા સબસિડી અપાવવાનો ભરોસો આવ્યો હતો. આરોપીની લલચામણી વાતોમાં આવી જઈ ફરિયાદી સહિત ૨૮ જણાંએ લોનની કાર્યવાહી માટે રૂ. ૨૮૦૦ લેખે રૂ. ૭૮,૪૦૦ આરોપીને આપ્યા હતા. ત્યારબાદ આરોપીએ લોન નહીં અપાવી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. બનાવ સંદર્ભે ડીંડોલી પોલીસે ગુનો નોંધી પોસઈ એચ.એસ. રાવતે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.