(સંવાદદાતા દ્વારા)
મહેસાણા, તા.૭
મહેસાણા નગર પાલિકામાં છેલ્લા એક પખવાડીયાથી સત્તાધારી કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરો અને ચીફ ઓફિસર વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. અગાઉ ચીફ ઓફિસર દ્વારા પ્રમુખને ગાડી આપવાનો નનૈયો ભણી દેવાયા બાદ વિવાદ વકર્યો છે. અમદાવાદથી અપડાઉન કરતા ચીફ ઓફિસરને આ મુદ્દે કારણ દર્શક નોટિસ આપી પ્રમુખે ૭ દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું છે. તો આજે પ્રમુખ અને કેટલાક સિવિયર કોર્પોરેટરો ઊંટલારીમાં નગરપાલિકા કચેરીએ પહોંચી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ સામસામે આવી જતાં વિવાદ સર્જાયો છે. કથિત ભ્રષ્ટાચારનો મુદ્દો બનાવી અગાઉ સત્તાધારી કોંગ્રેસના કોર્પોરેટરોએ ચીફ ઓફિસર નવનિત પટેલના વિરોધમાં અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે ધરણા કર્યા હતા. ત્યારબાદ, ચીફ ઓફિસરે ગાડીની લોગબૂક માંગી પ્રમુખની ગાડી પરત ખેંચી લેતાં મામલો ગરમ બન્યો હતો. દરમ્યાન પ્રમુખ રઈબેન પટેલે અમદાવાદથી અપડાઉન કરતા ચીફ ઓફિસરને કારણદર્શક નોટિસ આપીને મકાનની વ્યવસ્થા હોવા છતાં હેડકવાર્ટરે રહેતા કેમ નથી તે અંગેનો ખુલાસો કરવા ૭ દિવસની મહેતલ આપી છે. વળી,આજે પ્રમુખ રઈબેન પટેલ, ઉપપ્રમુખ જયદિપસિંહ ડાભી સહિતના કોર્પોરેટરો ઊંટગાડીમાં નગરપાલિકા કચેરી પહોંચી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.