(સંવાદદાતા દ્વારા)
પાલનપુર, તા .૧૧
બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પુરી થતાં શુક્રવારે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાના અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજાઇ હતી. જેમાં આ વખતે પ્રમુખ પદ માટે અનુસૂચિત જનજાતિના મહિલા બેઠક અનામત હોઈ કોંગ્રેસ દ્વારા ગુરૂવારે એક ફોર્મ રજૂ કરાયું હતું. જોકે, સામા પક્ષે ભાજપ પાસે અનુસૂચિત જનજાતિના પ્રમુખ પદના ઉમેદવાર ન હોવાથી ફોર્મ રજૂ કરી શક્યા ન હતા. પરિણામે શુક્રવારે કોંગ્રેસના પ્રમુખ પારગી વારકીબેન ચકાભાઇને બિનહરીફ જાહેેેર કરવામાં આવ્યા હતા. જ્યારે ઉપપ્રમુખ માટે બન્ને પક્ષ દ્વારા એક-એક ફોર્મ રજૂ થયા હોઈ તેમની ચૂંટણી યોજાઇ હતી. જેમાંં કોંગ્રેસના ઉમેદવાર મકવાણા ભુપતાજી નાગજીજીને કોંગેસના ૩૬ સભ્યોના મત મળ્યા હતા. જ્યારે સામા પક્ષે ભાજપના ઉમેદવાર પટેલ રાજાભાઈ મોતીભાઈને તેમના ૩૦ સદસ્યોના મત મળ્યા હતા. આમ કોંગેસના ઉપપ્રમુખનો ૬ મતોની બહુમતીથી વિજય થયો હતો. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સત્તા જળવાઈ રહી હતી.