(એજન્સી) તા.૧૪
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં એક વ્યાપારીએ એફઆઈઆર નોંધાવી ફરિયાદ કરી હતી કે તેણે વાંધો ઉઠાવ્યો હોવા છતાં તેના ઘરને કથિત રીતે ભગવા રંગથી રંગી દેવામાં આવ્યો હતો. આ વ્યાપારીએ દાવો કર્યો હતો કે તેણે આ કલરકામ બંધ કરવાનું કહેતા તેને ધમકી આપવામાં આવી હતી. તેમજ અપશબ્દો બોલવામાં આવ્યા હતા. જે વિસ્તારમાં આ ઘટના ઘટી હતી. ત્યાં યુપીના મંત્રી નંદ ગોપાલ નાંદીનું નિવાસસ્થાન આવેલુ છે. તેમણે આ ઘટનાનો બચાવ કરતા કલરકામને વિકાસ કાર્ય ગણાવ્યું હતું અને તે અંગે ઉભા થયેલા વિવાદને બિનજરૂરી ગણાવ્યો હતો. પ્રયાગરાજના આ વિસ્તારની તસવીરોમાં દેખાય છે કે, ઘરોને ભગવા રંગે રંગવામાં આવ્યા છે અને કેટલાક ઘરો પર ધાર્મિક ચિત્રો દોરવામાં આવ્યા છે. એક ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ રવિ ગુપ્તાા નામના વ્યાપારીએ શૂટ કરેલા વીડિયોમાં દેખાય છે કે પ્રયાગરાજમાં આવેલા બહાદુરગંજ વિસ્તારમાં કેટલાક લોકો ઘરોની બહારની દીવાલોને ભગવા રંગના સ્પ્રેથી રંગી રહ્યા છે. આ વીડિયોમાં એક શખ્સ કહેતો સંભળાય છે કે ઉત્તરપ્રદેશના મંત્રી નાંદીના નિર્દેશો મુજબ આ કલરકામ થઈ રહ્યું છે. આ ઘટના અંગે ગુપ્તાએ સોમવારે દાખલ કરાવેલી એફઆઈઆરમાં મુખ્ય આરોપી તરીકે કમલકુમાર કેસરવાનીનું નામ છે. જે નંદ ગોપાલ નાંદીનો પિતરાઈ છે. રવિ ગુપ્તાએ કહ્યું હતું કે હું ફકત આટલુ જ કહેવા માગુ છું. કે એક નાગરિક તરીકે મને જે બંધારણીય રક્ષણો મળ્યા છે. તેની સાથે ચેડા થવા ન જોઈએ. મને શાંતિથી રહેવાનો અધિકાર છે. મેં ફકત એટલું કહ્યું હતું કે હું નથી ઈચ્છતો કે મારા ઘર પર કલરકામ કરવામાં આવે પરંતુ તેમણે મને અપશબ્દો બોલ્યા અને બળજબરીપૂર્વક મારા ઘરને રંગી નાખ્યું જો કે આ જ વિસ્તારમાં રહેતા નાંદીએ આ એફઆઈઆરને ષડયંત્ર ગણાવ્યું હતું. નાંદીએ કહ્યું હતું કે આ કલરકામનો વિરોધ કરનારા લોકો વિકાસ વિરોધી છે.