(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં પ્રવાસી મજદૂરોને પરત લાવવા માટે અને તેમને વધુ સુવિધા મળી રહે તે માટે વધારાની ૧૦પ ખાસ ટ્રેનોની વ્યવસ્થા કરી છે. એમ મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું હતું. મમતાએ ટ્‌વીટ કરી જણાવ્યું હતું કે, લોકોને મદદ કરવાની અમારી કટિબદ્ધતાનું પાલન કરતાં અમે આ વ્યવસ્થા ગોઠવી છે. અમે દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા અને બંગાળ પરત ફરવા માંગતા લોકોને સહાય કરવાનું વચન આપ્યું હતું મને એ જાહેર કરતાં આનંદ થાય છે કે અમે વધુ ૧૦પ ટ્રેનોની વ્યવસ્થા કરી છે. આગામી દિવસોમાં આ સ્પેશિયલ ટ્રેન વિવિધ ભાગોને આવરી લેશે અને બંગાળ લોકોને પરત લાવવામાં આવશે. મમતાએ જણાવ્યું હતું કે, અમારી સરકારે બંગાળમાં રહેતા લોકો પ્રત્યે માનવતાવાદી વલણ દાખવ્યું છે. બંગાળ સરકાર ભારતના વિવિધ રાજ્યોમાં ફસાયેલા લોકોને પરત લાવવા શક્ય તમામ પ્રયાસો કરશે. મમતાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી બંગાળમાં એક લાખ કામદારો પરત ફર્યા છે અને અન્યોને પરત લાવવા ૧૦૦થી વધુ ટ્રેનો દોડાવાશે.