ગાંધીનગર,તા.૯
ગુજરાતમાં ૩૦ હજાર કરોડનું બજેટ ધરાવતા શિક્ષણ વિભાગ પાસે બાળકોને બેસાડવા માટે પૂરતા ઓરડા પણ નથી. ઓરડાના અભાવે બાળકો ખુલ્લામાં બેસીને ભણવા મજબૂર બન્યા છે. વિધાનસભામાં ખુદ સરકારે જ રાજ્યના વિવિધ જિલ્લાઓની શાળાઓમાં શાળાઓની ઘટ અંગેના ચોંકાવનારા આંકડાઓ રજૂ કર્યા છે. જે મુજબ રાજ્યની કુલ ૬ હજાર ૮૨૬ સરકારી શાળાઓમાં ૧૭ હજાર ૪૧૭ ઓરડાઓની ઘટ છે. તેમાં દાહોદ જિલ્લામાં ૭૨૦ શાળાઓમાં ૨ હજાર ૮૨ ઓરડાઓની ઘટ છે. જ્યારે કે બનાસકાંઠામાં ૪૧૦ સરકારી શાળાઓમાં ૧ હજાર ૭૧ ઓરડાઓની ઘટ છે. ચોંકાવનારી વાત એ છે કે વર્ષ ૨૦૧૪માં કુલ ૮ હજાર ૩૮૮ ઓરડાઓની ઘટ હતી. જે ૨૦૧૭માં વધીને સીધી જ ૧૬ હજાર થઇ ગઇ છે. વર્ષ ૨૦૧૮માં આ આંક વધીને ૧૬ હજાર ૯૨૩ થયો હતો. જ્યારે કે હાલ ૧૭ હજાર ૪૧૭ ઓરડાઓની ઘટ છે. મતલબ કે છેલ્લા ૪ વર્ષમાં જ ઓરડાઓની ઘટની સંખ્યા સીધી જ બમણી થઇ ગઇ છે.