અમદાવાદ, તા.૨૫
રાજ્યમાં મેડિકલમાં પ્રવેશ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓ કોલેજમાં હાજર ન રહેતા હોવાના કેસ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં મેડિકલમાં એડમિશન મેળવીને ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓને હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓને એડમિશન માટે ગેરલાયક ઠેરવ્યા છે. વર્ષ ર૦૧૭-૧૮માં ડેન્ટલમાં એડમિશન મેળવ્યા બાદ પણ રેગ્યુલર હાજર ન રહેનારા વિદ્યાર્થીઓને હાઈકોર્ટે ગેરલાયક ઠેરવ્યા છે. હાઈકોર્ટે ડેન્ટલ કાઉન્સિલ અને ગુજરાત યુનિ.ની અપીલ ગ્રાહ્ય રાખતા જણાવ્યું હતું કે, ડેન્ટલમાં હાજર ન રહેનારા વિદ્યાર્થીઓ ર૦૧૮-૧૯ના વર્ષમાં એડમિશનને પાત્ર ગણાતા નથી. ડેન્ટલ કાઉન્સિલની ગાઈડલાઈન મુજબ ૩૧ મે પહેલાં એડમિશન ફાઈનલ કરવાનું હોય છે તેમ છતાં વિદ્યાર્થીઓએ સપ્ટેમ્બર સુધી કોઈ જ કાર્યવાહી નથી કરી. હાઈકોર્ટે ટકોર કરતાં જણાવ્યું હતું કે, એડમિશન લેનારા વિદ્યાર્થી ભલે કયાંય પણ નોકરી કરતા હોય તેમ છતાં તેમને રાહત મળી શકે નહીં.