(એજન્સી)
નવી દિલ્હી, તા. ૨
પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણીઓ માટે મમતા બેનરજીનું નવું અભિયાન શરૂ થઇ રહ્યું છે જે ‘બાંગ્લાર ગોરબો મમતા’’ અથવા ‘‘મમતા બંગાળનું ગૌરવ’’ નામે ચલાવાય છે. મુખ્યમંત્રી માટે આ વ્યૂહરચના ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે તૈયાર કરી છે અને હવે તે ટેગલાઇન બની રહી છે. ‘‘દીદી કે બોલો’’ અભિયાન બાદ રવિવારની અમિત શાહની રેલી બાદ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, મમતા બેનરજી રાજ્યના લોકો માટે રક્ષક અથવા પાલક સમાન છે અને તેઓ નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરતા રહેશે.
ગૃહમંત્રી અમિત શાહની રેલીમાં ભડકાઉ ભાષણ આપવા અંગે ધરપકડ કરાયેલા ભાજપના ત્રણ કાર્યકરો મામલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું છે કે, આ દિલ્હી નથી, કોલકાતામાં ‘‘ગોલી મારો…’’ જેવા નારા સાંખી લેવાશે નહીં. મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે, ભાજપ પશ્ચિમ બંગાળ સહિત સમગ્ર દેશમાં ‘રમખાણોનું ગુજરાત મોડેલ’ લાગુ કરવાના પ્રયાસ કરી રહ્યો છે. દિલ્હીની હિંસા નરસંહાર હતી, હું માસૂમ લોકોની હત્યાથી અત્યંત દુઃખી છું. ઉલ્લેખનીય છે કે, મમતા બેનરજીનું આ નિવેદન ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રવિવારે કહેવાયેલી વાતોના જવાબ તરીકે જોવાય છે. ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી અમિત શાહ રવિવારે કોલકાતામાં હતા. તેમણે નાગરિકતા કાયદા સાથે જોડાયેલા કથિત ભ્રમને દૂર કરવા માટે બે રેલીઓ સંબોધિત કરી હતી જેમાં તેમણે મુખ્યમંત્રી મમતા બેનરજી પર જોરદાર પ્રહાર કર્યા હતા. શાહે તેમને પડકાર આપ્યો હતો કે, તેઓ સીએએ લાગુ ન કરીને દેખાડે. તેમણે કહ્યું કે, ચિંતા કરવાની જરૂર નથી, ભાજપ બંગાળમાં સંપૂર્ણ બહુમતીથી સરકાર બનાવવા જઇ રહી છે. જ્યારે રેલી દરમિયાન બનાવાયેલા એક વીડિયોમાં કેટલાક લોકોને ભગવા રંગના કપડાં પહેરવા અને ભાજપના ઝંડા લહેરાવતા દેખાયા હતા. દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ આગામી નગર નિગમની ચૂંટણીઓ તથા ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીને જોતાં જનસંપર્ક અભિયાન ‘બાંગ્લાર ગોર્બો મમતા’(બંગાળનું ગૌરવ મમતા)ની સોમવારે શરૂઆત કરી હતી. પાર્ટી સૂત્રોએ જણાવ્યું કે, અભિયાન અંતર્ગત તૃણમુલ કોંગ્રેસના આશરે એક લાખ કાર્યકરો શહેરના વિવિધ ભાગોમાં જશે અને લોકોને સમજાવશે કે બેનરજી પશ્ચિમ બંગાળના વિકાસ તથા પ્રગતિ માટે તથા રાજ્યના કોમી સૌહાર્દને જાળવી રાખવા માટે કેટલા જરૂરી છે. કાર્યક્રમનો પ્રથમ તબક્કો ૭૫ દિવસ સુધી ચાલશે. સૂત્રો અનુસાર સંપર્ક અભિયાન ‘દીદી કે બોલો’ને પ્રથમ મહિનામાં જોરદાર સમર્થન પ્રાપ્ત થયું હતું જ્યાં ૧૦ લાખ લોકોએ પોતાની ફરિયાદ નોંધાવી હતી.