(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
સુપ્રીમકોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે દેશના સીજેઆઈ દીપક મિશ્રા વિરૂદ્ધ મેડિકલ કોલેજ કૌભાંડ કેસ બાબત સુપ્રીમકોર્ટના પાંચ જજોને લેખિત ફરિયાદ મોકલી છે. જે જજોને ફરિયાદ મોકલી છે એમાં ૪ બળવો કરનાર જજો પણ સામેલ છે. પ્રશાંત ભૂષણે ૧૬મી તારીખે પત્રકારોને જણાવ્યું કે સીજેઆઈ ઉપર મુખ્ય ચાર આક્ષેપો છે.
અમુક લોકો મેડિકલ કોલેજ કૌભાંડ સાથે સંકળાયેલ હતા જે સીબીઆઈની નિગરાની હેઠળ હતા. એમના ટેલિફોનો પણ સીબીઆઈ રેકર્ડ કરતી હતી. સીબીઆઈને ખબર પડી કે આ વાતચીતમાં પૈસાની લેવડ-દેવડની વાતો થઈ રહી છે. સીબીઆઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પૂરાવા સાથે પડકવા ઈચ્છતી હતી પણ સીજેઆઈ મિશ્રાએ સીબીઆઈને આની પરવાનગી ન આપી. પછીથી આ કેસમાં પૂર્વ જજ આઈ.એમ.કુદ્દુશી અને અમુક વચેટિયાઓની ધરપકડ કરાઈ હતી. ભૂષણે કહ્યું કે મેડિકલ કોલેજ કૌભાંડમાં પ્રસાદ એજ્યુકેશન ઉપર આક્ષેપો હોવા છતાંય સીજેઆઈ એની તરફેણ કરતા હતા. આ મામલે પોતાની વહીવટી સત્તાઓનો ઉપયોગ કરી ૩ જૂનિયર જજોને સામેલ કર્યા. એમણે કહ્યું કે આ મામલે ૬ઠ્ઠી નવેમ્બર ર૦૧૭ના રોજ સીજેઆઈની બેંચે જે આદેશ આપ્યો હતો એ ખોટો હતો.
પ્રશાંત ભૂષણે સીજેઆઈ ઉપર આક્ષેપો મૂકયા છે કે, એમણે એક જમીન ખરીદી હતી જેમાં ખોટું સોગંદનામું આપ્યું હતું. ૧૯૮પના વર્ષમાં એડીએમએ જમીન ફાળવણીને રદ કરી હતી. પણ સીજેઆઈ મિશ્રાએ એ જમીન ર૦૧રના વર્ષમાં ખાલી કરી હતી. પ્રશાંત ભૂષણે માગણી કરી છે કે, આની તપાસ માટે કમિટી બનાવી આંતરિક તપાસ કરાવવી જોઈએ કારણ કે મામલો સીજેઆઈ સાથે જોડાયેલ છે.
પ્રશાંત ભૂષણે પોતાની ફરિયાદમાં ઓરિસ્સા હાઈકોર્ટના નિવૃત્ત જજ આઈ.એમ.કુદ્દુસી, વચેટિયા વિશ્વનાથ અગ્રવાલ અને પ્રસાદ એજ્યુકેશન ટ્રસ્ટના બી.પી.યાદવ વચ્ચે થયેલ વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો છે. જેને રેકોર્ડ કરાયો હતો. કુદ્દુસીની સીબીઆઈએ ધરપકડ કરી હતી. હાલમાં એ જામીન ઉપર મુક્ત છે.
પ્રસાદ એજ્યુકેશન ટ્રસ્ટને મેડિકલના વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં અપાવવા આદેશ અપાયો હતો. એ પછી આ સંસ્થાએ અલ્હાબાદ હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટના જજ નારાયણ શુક્લા વિરૂદ્ધ કેસ દાખલ કરવા સીબીઆઈને સીજેઆઈએ મંજૂરી આપી ન હતી. એ બાબત પણ ફરિયાદમાં જણાવી છે. ભૂષણે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, ઉપરોક્ત મામલાઓથી ન્યાયાલયની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. આ મામલાની તત્કાલ તપાસ થવી જોઈએ.