(એજન્સી) તા.૨૩
સુપ્રીમકોર્ટે મંગળવારે વકીલ પ્રશાંત ભૂષણ અને ટ્‌વીટર વિરુદ્ધ સુઓમોટો અવમાનનાની કાર્યવાહી શરૂ કરી ત્યારે તેની જાહેરાતમાં ખરેખર કયા ટ્‌વીટ સામે વાંધો છે તે જણાવાયું નથી. અનુજ સકસેના નામના વકીલે જણાવ્યું છે કે તેમણે હાર્લિ ડેવિડસન મોટરસાયકલ પર સવારી કરતાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબડે અંગે ૯, જુલાઇના રોજ પ્રશાંત ભૂષણ દ્વારા કરવામાં આવેલ ટ્‌વીટ પર મહેક મહેશ્વરી વતી ભૂષણ વિરુદ્ધ તેમણે અરજી દાખલ કરી હતી. લાઇવ લો અનુસાર મહેશ્વરીએ પોતાની ફરિયાદમાં એવું જણાવ્યું છે કે આ ટ્‌વીટ દુર્ભાવનાપૂર્ણ અને વાંધાજનક છે કારણ કે કોર્ટ વર્ચ્યુલ મોડ પર લોકડાઉન દરમિયાન કામ કરી રહી હતી. આ ટિપ્પણી ખૂબ જ અમાનવીય છે અને તેઓ એ ભૂલી ગયા કે તેમણે વીડિયો કોન્ફરન્સીંગ મોડ દ્વારા સુનાવણીની મંજૂરી આપી અને માનનીય સીજેઆઇ અને અન્ય ન્યાયાધીશ સ્વયંને નાગરિકને ન્યાય આપવા માટે કેટલું કામ કરી રહ્યાં છે. તેઓ યોગ્ય રીતે વેકેશનનો પણ આનંદ નથી લઇ રહ્યાં. મહેશ્વરીની પિટિશનની એડિટ કર્યા વગરની ૮ મુખ્ય બાબતો નીચે મુજબ છે.
૧. પ્રશાંત ભૂષણનું ટ્‌વીટ ગંભીર સ્વરુપનું છે કારણ કે તે સીજેઆઇના સાર્વભોમ કાર્ય સામે સવાલ ઉઠાવે છે અને ભારતના બંધારણ સામે પણ સવાલ ઉઠાવે છે.
૨. ભૂષણ વ્યવસાયે વકીલ છે અને તેમના વ્યવસાયને કારણે વગદાર વ્યક્તિ છે. અવમાનના કરનારના વિધાન માનનીય સીજેઆઇના ચારિત્ર અને દેખાવ જાણવામાં ગંભીર રીતે અસર કરે છે.
૩. તેઓ માનનીય કે નામદાર શબ્દનો ઉપયોગ કર્યા વગર એક વકીલ તરીકે માત્ર સીજેઆઇ એવું કઇ રીતે કહી શકે ? આ ઉપરાંત નાગરિકોને મૂળભૂત અધિકાર નકારવાનો તેમનો આક્ષેપ તેમના અવિવેકપૂર્ણ વર્તણૂંકનો નિર્દેશ આપે છે.
૪. માનનીય સીજેઆઇ અને અન્ય ન્યાયમૂર્તિઓ કોવિડ-૧૯ લોકડાઉન હોવા છતાં પોતાની જીંદગી જોખમમાં મૂકીને ફરજ અને અનુકંપા દાખવે છે કે જેથી નાગરિકોના ન્યાય મેળવવાના મૂળભૂત અધિકાર સુધી પહોંચ પ્રાપ્ત થઇ શકે.
૫. અવમાનના કરનારના વિધાનો અમાનવીય છે અને તેઓ એ ભૂલી જાય છે કે નામદાર મુખ્ય ન્યાયમૂર્તિ અને અન્ય ન્યાયમૂર્તિઓ વીડિયો કોન્ફરન્સીંગ મોડ દ્વારા નાગરિકોને ન્યાય આપી રહ્યાં હતા. તેઓ યોગ્ય રીતે વેકેશન પણ માણી શકતાં નથી અને તેથી મુખ્ય ન્યાયમૂર્તિ નાગરિકોને મૂળભૂત અધિકારથી વંચિત રાખે છે એવું નિવેદન સંપૂર્ણપણે ખોટું છે.
૬. ભૂષણે બુદ્ધિશક્તિનો ઉપયોગ કર્યા વગર ટિપ્પણી કરી છે. જો તેમણે બુદ્ધિશક્તિનો ઉપયોગ કર્યો હોત તો તેમણે વિચાર્યું હોત કે બાઇક સવારીના મોડમાં નહીં પરંતુ એક જગ્યાએ ઊભું હતું.
૭. અવમાનના કરનારનું નિવેદન પ્રસિદ્ધિ માટેનો સસ્તો સ્ટંટ જ નથી પરંતુ ભારત વિરોધી ચળવળના સ્વરુપે નફરત ફેલાવવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ છે.
૮. અવમાનના કરનાર નં.૧ના નિવેદનો એવા સ્વરુપ અને પ્રકારના છે કે જે આ નામદાર અદાલતની કાર્યવાહીમાં પ્રજામાં અવિશ્વાસની લાગણી ઉશ્કેરે છે.
(સૌ. : ધ વાયર.ઇન)