પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિઓ દ્વારા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરીને શાંતિ ભૂષણે ફાઇલ કરેલ સીલબંધ કવરનું ભાવિ પણ હજુ અદ્ધરતાલ

(એજન્સી)               તા.૯

વકીલ પ્રશાંત ભૂષણે કરેલા બે ટિ્‌વટ સુપ્રીમ કોર્ટની અવમાનના કરે છે કે કેમ તે અંગેની કાર્યવાહી સર્વોચ્ચ અદાલતમાં ગંભીર કાનૂની વિવાદમાં ઘેરાઇ છે કારણકે એક તો સુપ્રીમકોર્ટે જૂનો કેસ ઉખેડવાનો નિર્ણય કર્યો છે અને બીજુ કારણ એ છે કે પ્રશાંત ભૂષણના વકીલોએ આક્રમક કાનૂની રાહ અપનાવી છે. ૫,ઓગસ્ટ બુધવારે સિનિયર એડવોકેટ દુષ્યંત દવેએ અદાલતની અવમાનના કેસમાં ભૂષણ વતી રજૂઆત કરતાં અદાલતને તેમને તકસીરવાર નહીં ઠરાવવા જણાવ્યું હતું અને એવી દલીલ કરી હતી કે તેમનો ઇરાદો ન્યાયતંત્રમાં વધુ સુધારો લાવવાનો હતો. આ દલીલ કરતાં દુષ્યંત દવેએ શ્રેણીબદ્ધ સવાલો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કેટલાક જજોને સંવેદનશીલ કેસ કેમ ફાળવવામાં આવતાં નથી ?

ગયા એપ્રીલમાં ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ પર યૌન શોષણનો આરોપ મૂકનાર સુપ્રીમ કોર્ટની મહિલા કર્મચારીને નોકરીમાં પુનઃ લેવાના નિર્ણયને કઇ રીતે મૂલવવો જોઇએ ? આ મહિલા કર્મચારીની ફરિયાદ ફગાવી દેવામા ંઆવી હોવા છતાં તેમને નોકરીમાં ફરી લેવામાં આવ્યાં છે. જાન્યુ.૨૦૧૮માં એક પત્રકાર પરિષદમાં અદાલતની કામગિરી પર કડક ટીકા કરનાર ૪ વર્તમાન જજના આક્ષેપો અંગે શું ?

આમ પ્રશાંત ભૂષણ સામે અદાલતની અવમાનનાનો કેસ ફરીથી ઉખેડીને સુપ્રીમ કોર્ટે વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. એ જ રીતે પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિઓ દ્વારા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરીને શાંતિ ભૂષણે ફાઇલ કરેલ સીલ બંધ કવરનું ભાવિ પણ હજુ અદ્ધરતાલ છે. શાંતિ ભૂષણે ૨૦૧૧માં બોનાફાઇડ કોમેન્ટ અવમાનના બની શકે કે કેમ એ મુદ્દો વિશાળ બેંચને રીફર કરવા માટે જણાવ્યું હતું અને તેના પર હજુ પણ નિર્ણય લેવાનો બાકી છે. બંને કેસોમાં આદેશ અનામત રાખવામાં આવ્યાં છે. શાંતિ ભૂષણે સુપરત કરેલ સીલબંધ કવર ખોલીને તેની વિગતો જાહેર કરવાથી સુપ્રીમ કોર્ટ વધુ એક વિવાદના વમળમાં ઘેરાશે કારણકે તેમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિઓની પ્રતિષ્ઠા દાવ પર છે.

(સૌ. : સ્ક્રોલ.ઈન)