(એજન્સી) તા.૧૦
સૌથી લોકપ્રિય એનિમેટેડ સિરીઝ સ્કૂબી ડૂના સહનિર્માતા કેન સ્પીયર્સનું નિધન થઇ ગયું છે. કેન ૮ર વર્ષના હતા. ફોક્સ ન્યૂઝના અહેવાલ અનુસાર તેમના દીકરા કેવિને વેરાયટી અને ધ હોલિવૂડ રિપોર્ટરને આ વાત અંગે જાણકારી આપી હતી. કેવિને જણાવ્યું કે કેનનું નિધન લુઇ બોડી ડિમેન્શિયા સંબંધિત જટિલતાઓને લીધે થયું છે. કેવિને કહ્યું કે કેનને હંમેશા તેમની બુદ્ધિ, તેમની કહાણીઓ, પરિવારો પ્રત્યે નિષ્ઠા અને મજબૂત નૈતિક કાર્યો માટે યાદ કરાશે. કેનએ ન ફક્ત પોતાના પરિવાર પર એક છાપ છોડી છે પણ તેમણે અનેક લોકોના જીવનને સ્કૂબી ડૂના સહનિર્માતા તરીકે સ્પર્શ્યો છે.
જીવનભર કેન આપણા માટે એક આદર્શ રહ્યા છે અને તે આપણા હૃદયમાં વસતા રહેશે. સ્પીયર્સના પરિવારમાં તેમના બે દીકરા કેવિન અને ક્રિસ, તેમની પત્ની, પાંચ પૌત્ર અને તેમના ત્રણ પ્રપૌત્ર-પ્રપૌત્રીઓ પણ છે.
સ્પીયર્સનો જન્મ ૧ર માર્ચ ૧૯૩૮ના રોજ કેલિફોર્નિયામાં થયો હતો. તેમણે ૧૯૬૯ની એનિમેટેડ સિરીઝ સ્કૂબી ડૂ જો રૂબી સાથે બનાવી હતી. તે ઉપરાંત તેમણે ડાયનોમુટ, જબરજો, ફાંગફેસ, મિસ્ટર ટી અને સેક્ટોર જેવી શ્રેણી પણ બનાવી છે.
જોકે હવે તેમના નિધનના સમાચાર સાંભળીને સમગ્ર હોલિવૂડ જગત દુઃખમાં સરી ગયું છે. આ દરમિયાન વોર્નર બ્રોસના સેમ રજિસ્ટરએ કહ્યું હતું કે કેન સ્પીયર્સ આ ઉદ્યોગના સૌથી મોટા ઇનોવેટર સાબિત થયા હતા.