(સંવાદદાતા દ્વારા)
ભરૂચ,તા.૩૧
ભરૂચ સિવિલ હોસ્પિટલને એક રૂપિયાના ટોકન ભાડે આપનારી સરકાર હવે સિવિલ હોસ્પિટલના અર્ંધેર વહીવટ અંગે પણ તપાસ કરે તે જરૂરી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં બાળકનો જન્મ થયા પછી લેવાતા ટાંકાઓ તૂટી જતા પ્રસુતાઓની હાલત દયનીય બની ગઈ છે. આજે ભરૂચની સરકારી અને સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં અણધડ અને આડેધડ વહીવટ ચાલી રહ્યો હોવાની બુમો ઉઠવા પામી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કેટલાક દર્દનાક કિસ્સાઓ બહાર આવ્યા છે. જેમાં ભરૂચ શહેરના કોઠી રોડ ઉપર આવેલ જૈન દેરાસર ખાતે રહેતા દક્ષાબેન પટેલ તેમની પુત્રવધૂ પુનમ સાજન પટેલ (ઉ.વ.ર૧)ને લઈને તા.૧૧-ના રોજ સિવિલ હોસ્પિટલમાં લઈને ગયા હતા. જયાં તેમની કૂખે બાળકનો જન્મ થયો હતો જો કે પુનમબેનના ટાંકા તૂટી જતા ફરી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. આવી જ રીતે ૩ વખત ટાંકા તૂટી જતા તેમને દયનીય હાલતમાં લાવવામાં આવી હતી. જયારે પુનમની સાસુ દક્ષાબેનએ કહ્યું હતું કે આ તો કેવા ટાંકા લે છે કે ત્રણ વખત તૂટી જાય છે. આવી જ રીતે સાનિયાબાનુ તાહીર મલેક કે જેઓ અંદાડાના રહીશ છે તેઓને પણ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જો કે તેમની પાસેનો ૧૮ હજારની કિંમતનો માોબાઈલ રાત્રી દરમ્યાન ચોરી થઈ ગયો હતો. આ મામલે તેમની માતા રજીયાબેન દ્વારા સિવિલ હોસ્પિટલમાં જવાબદારોને ફરિયાદ કરવામાં આવતા જવાબદાર લોકોએ કહ્યું હતું કે જે તમારો સામાન છે તેની જવાબદારી પણ તમારી છે. જયારે સીસીટીવી કેમેરા લાગેલા હોવા છતાં સિવિલ હોસ્પિટલમાં સુતેલી પ્રસુતા પાસે મુકેલો મોબાઈલ ફોનની ચોરી થતી હોય તો પછી બાળકોની ચોરી કેમ નહીં થઈ શકે એમ એક પ્રશ્ન તેમણે ઉઠાવ્યો હતો.
જયારે જંબુસરના કાવીગામે રહેતા સલમાન શબ્બીર બેરીસ્ટર તેમની પત્નીને લઈને આવ્યા હતા બાળક થયા બાદ હવે હોસ્પિટલવાળા જબરજસ્તીથી કોપર-ટી મુકવવા માટે ફરજ પાડી રહ્યા છે. તેઓના જણાવ્યા અનુસાર જો તમે કોપર-ટી નહી મુકાવો તો સિવિલ હોસ્પિટલમાંથી રજા નહીં આપીએ તેવું કહી કોપર-ટી મુકવાનો આગ્રહ કર્યો હતો. જયારે દીવાગામથી આવેલા જુબેરભાઈના કહેવા મુજબ તેમની પત્નીને બાળક થવા બાદ હોસ્પિટલમાં રાખવામાં આવી હતી. જો કે તેમના ઘર પરિવારમાં કોઈ મહિલા નહીં હોવાથી તેમણે હોસ્પિટલમાં સુવાની મંજુરી માગતા હોસ્પિટલવાળા એ કહ્યું હતું કે તમારે બહાર જ સુવું પડે અંદર તમને સુવાની મંજૂરી મળશે નહીં આમ અનેક ફરિયાદો ઉઠવા પામી છે. જિલ્લા કલેકટર સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ એક રિપોર્ટ તૈયાર કરે અને રાજય આયોગ વિભાગને અસુવિધા અંગે જાણ કરે તેમજ હાલના જે વહીવટકર્તા છે તેમની સામે અસુવિધા મામલે કડકમાં કડક પગલાં ભરે તેવી લોકોમાં માગ ઉઠવા પામી છે.