(સંવાદદાતા દ્વારા) પ્રાંતિજ, તા.૨૯
પ્રાંતિજમાં તસ્કરો પોલીસને પડકાર ફેંકતા હોય તેમ એક જ રાત્રિમાં ચાર મકાનોમાં ચોરીને અંજામ આપ્યો છે. નાની ભાગોળમાં ગતરાત્રે ચાર મકાનના તાળાં તોડી તેમાંથી રોકડ રકમ તથા સોનાના દાગીનાની ચોરી કરી ગયા છે.
પ્રાંતિજ નાની ભાગોળ પટેલ વાસના ભરચક વિસ્તારમાં ગતરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. ચાર બંધ મકાનના તાળાં તોડી મકાનની અંદર રહેલ સર સામાન વેરવિખેર કરી તિજોરીમાં રહેલ સોનાના- દાગીના તથા રોકડ રકમની ચોરી ગયા હતા. પટેલવાસ જેવાં ભરચક વિસ્તારમાં ત્રાટકી પ્રાંતિજ પોલીસને ચેલેન્જ આપી હોય તેવું જણાય છે.ચોરીના આ બનાવમાં પટેલવાસમાં રહેતાં પંડ્યા નરેન્દ્રભાઈ હરિપ્રસાદના મકાનમાંથી ૫૦ હજાર રોકડ તથા પટેલ ગોરધનભાઈ ઉગરાભાઇના મકાનમાથી પાંચ તોલા-સોનાના દાગીના તથા ૫૦ હજાર રોકડા તથા પટેલ રહીબેન ગોપાલભાઇના મકાનમાંથી ૧૦ હજારની રોકડ રકમની ચોરી તેમજ પટેલ નવનીતભાઇ ભાઇલાલભાઇના મકાનમાંથી પણ ચોરી થતાં પ્રાંતિજ પોલીસને સવારે જાણ કરવામાં આવી હતી. પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે તો નગરના ભરચક વિસ્તારમાં ચોરી થતાં ચોરો જાગતા હોવાનું અને પોલીસ ઉંઘતી હોવાની લોકચર્ચા ચાલે છે. તસ્કરોએ સોસાયટીઓ બાદ હવે ગામમાં નજર કરી છે. ત્યારે હવે તો પોલીસ સઘન રાત્રી પેટ્રોલિંગ કરે તેવી લોક માંગ ઊઠી છે.