(સંવાદદાતા દ્વારા)
પ્રાંતિજ, તા.૧૦
અરબી સમુદ્રમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમને પગલે સાબરકાંઠામા સાર્વત્રિક મેઘમહેરનો માહોલ સર્જાયો છે. જેમાં આજે વહેલી પરોઢે પ્રાંતિજ તાલુકામાં બે કલાકમાં બે ઈંચ તથા છેલ્લા ૨૪ કલાકમાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. જ્યારે શહેરના નીચાણવાળાવિસ્તારમાં પાણી ભરાતાં લોકોને સવારે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું. છેલ્લા ત્રણેક દિવસથી પ્રાંતિજ પંથકમાં વરસાદી મહેર થઈ રહી છે. જેનાં પગલે ચોમાસું પાક તથા શાકભાજી પકવતા ખેડૂતોના ચહેરા ઉપર ખુશી જોવા મળે છે. આજે સવારે છ વાગ્યે પૂરા થતાં ૨૪ કલાકમાં પ્રાતિજમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. તેમાંયે વહેલી પરોઢે ૪થી ૬ વાગ્યા દરમ્યાન બે કલાકમાં બે ઈંચ વરસાદ તૂટી પડ્યો હતો. જેના પગલે શહેરનાં એસ.ટી.ડેપો વિસ્તાર , એપ્રોચ રોડની સોસાયટીઓ તથા ગલેચી ભાગોળના નીચાણવાળા ભાગમાં પાણી ભરાઈ ગયા હતા. જેણે પાલિકાની ચોમાસા પૂર્વેની નામ માત્રની કામગીરીની પોલ ખોલી નાખી હતી. જયારે અત્રેના રેલવે ગરનાળા નીચા અને વરસાદી પાણીના નિકાલ વિહોણા હોઈ સવારે તો તેમાંથી નાના અને દ્વિચક્રી વાહનોને અવરજવર કરવી પણ મુશ્કેલ બની હતી તો અમીનપુર તરફ જતાં માર્ગ ઉપર પાણી ભરાઈ જતા રસ્તો બંધ થઈ ગયો હતો. પ્રાંતિજ તાલુકામાં પ્રતિ વર્ષ સરેરાશ ૮૨૫ મી.મી. વરસાદ વરસતો હોય છે. તેની સામે આજ સવાર સુધીમાં ૫૩૫ મી.મી.અર્થાત ૬૪.૮૪ ટકા વરસાદ વરસી ગયો છે.