(સંવાદદાતા દ્વારા)
પ્રાંતિજ, તા.૧૪
પ્રાંતિજ ખાતે ગતરાત્રે ગાજવીજ તેમજ કડાકા સાથે માત્ર દોઢ કલાકમાં સાડા ત્રણ ઇચ અનરાધાર વરસાદ તૂટી પડ્યો હતો. જ્યારે નિચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયું હતું. નાનીભાગોળ રાવળવાસ માં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘુસ્યા હતાં. તો રેલ્વે અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમા મુકાયા હતા. પ્રાંતિજ ખાતે ગતરાત્રીના સમયે તેજ પવન ફૂકાવા સાથે ગાજવીજ અને કડાકાભેર દોઢ કલાકમાં ૮૮ મી.મી. વરસાદ ખાબક્યો હતો. આ વરસાદને લઈને કેટલીય જગ્યાઓએ પાણી ભરાવાના બનાવો બન્યા હતા. જેમાં પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ શાન્તીનાથ સોસાયટી , એપ્રોચરોડની ઉમાપાર્ક સોસાયટી, હાઈવેની ગોકુલપાર્ક સહિત રેલ્વે સ્ટેશનના અંડરબ્રીજમાં પણ પાણી ભરાયું હતું. તો પ્રાંતિજ નાનીભાગોળમા આવેલ રાવળવાસમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘુસ્યા હતાં. જ્યાના રહીશો રાત્રીના સમયે ડોલોથી પાણી ઉલેચતા જોવા મળ્યા હતાં.તો રેલ્વે અંડરબ્રિજ માં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો.