(સંવાદદાતા દ્વારા)
પ્રાંતિજ, તા.૧૭
સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે ૧પમીની રાત્રે સીએએ, એનઆરસી તથા એનપીઆરના કાળા કાયદા સામે અસહકાર આંદોલનની એક મીટિંગ ખાદીમ લાલપુરીની ઉપસ્થિતિમાં મળી હતી. જેમાં પ્રાંતિજની વિવિધ જમાતોના લોકો તથા નવયુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તિલાવતે કુર્આનથી સભાના પ્રારંભ બાદ મૌલાના મોહસિન કલીમીએ હાજરજનોને સંબોધતા જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર નાગરિકતા સંબંધે જે કાળો કાનૂન લાવનાર છે. તેને પાછો લેવામાં નહીં આવે તો બંધારણીય અધિકારને આધિન કોઈ માહિતી, કોઈ કાગળ કે કોઈ પુરાવો આપીશું નહીં. આ રીતે શાંતિપૂર્ણ વિરોધ કરીશું. સાબરકાંઠા મુસ્લિમ સંકલન સમિતિના કન્વિનર એવા ૭ર વર્ષની ઉંમરે યુવાનોને પણ શરમાવે તેવો સક્રિય ખાદીમ લાલપુરીએ નાગરિકતા સંદર્ભે વર્તમાન સરકારની ઝાટકણી કાઢી લઘુમતી સમાજની મૂંઝવણનો ચિતાર રજૂ કર્યો હતો, તેમજ હાજરજનોને શાંતિપૂર્ણ અને સંવૈધાનિક રીતે લડત આપવા હાકલ કરી હતી. મોડાસાના કર્મશીલ તારીકભાઈ બાંડીએ આસામની એનઆરસી અંગે સમજણ આપી ત્યાંની ૭૦ ટકા બહેનો તેનાથી પ્રભાવિત થયાનું જણાવ્યું હતું. દેશભરના ૧૧ જેટલા રાજ્યો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. આ માત્ર મુસ્લિમોને પરેશાન કરતો કાયદો નથી. દેશના દલિત, આદિવાસી તથા ઓબીસી વર્ગોને પણ એટલા જ હેરાન થવું પડશે. આને માત્ર નાગરિકતાની લડાઈ ન ગણતા પોતાના અસ્તિત્વનો પ્રશ્ન ગણી સંગઠિત થઈ તમામે તમામ લોકોએ આ કાળા કાયદા સામે અસહકારનું આંદોલન ચલાવવું પડશે. જ્યારે ડૉ. ઈફ્તેખાર મલેકે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોને સંબોધતા જણાવ્યું કે પ્રથમ એનપીઆર થાય ત્યારે સૌએ પોતે જ પોતાની લડાઈ લડવી પડશે. નફરતના સૌદાગરો સામે મોહબ્બતનો પયગામ લઈને જવાનું છે. દલિતો, આદિવાસીઓ તથા પીડિત વર્ગની લડાઈ આપણે સૌએ શાંતિપૂર્ણ રીતે કાયદા અનુસાર લડવાની છે. વર્તમાન સરકારે સીએએ કાયદાને એવી રીતે મૂકયો છે કે, જે હિંદુ-મુસ્લિમમાં ભાગલા પાડે છે. બાબાસાહેબના બંધારણની પ્રસ્તાવનાના સમાનતાના સિદ્ધાંતને તોડવા માટે જ ઈસ્લામને બાકાત રાખી કાયદો ઘડવાનો પ્રયાસ કર્યો છે. ડૉ. મલેકે પ્રોજેક્ટર દ્વારા કાળા કાયદા અંગે ઝીણવટભરી સમજ આપી, તેનાથી થનાર નુકસાન અંગે સૌને વાકેફ કર્યા હતા અને એનપીઆરની પ્રક્રિયાનો જ શાંતિપૂર્ણ અને સંગઠિત થઈ બહિષ્કાર કરવા કરી હતી. સમગ્ર સભાનું સંચાલન સોએબભાઈ ઝાઝે કર્યું હતું. જ્યારે પ્રાંતિજ સમસ્ત મુસ્લિમ સમાજના નવ યુવાનોએ બંધારણીય અધિકાર અંગે માર્ગદર્શનના આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.