હિંમતનગર, તા.૯
સાબરકાંઠા જિલ્લામાં સોમવારે સાંજથી શરૂ થયેલો વરસાદ મંગળવારે દિવસ દરમિયાન પણ ચાલુ રહેવા પામ્યો હતો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ પ્રાંતિજ અને તલોદમાં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો જ્યારે ઈડર, વડાલી અને ખેડબ્રહ્મામાં ૧ ઈંચથી વધુ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ અને તલોદમાં સોમવારે સાંજે શરૂ થયેલો વરસાદ જોરદાર પડતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. જ્યાં મંગળવારે સવાર સુધીમાં બંને તાલુકામાં ૩૩ મીમીથી વધુ વરસાદ પડ્યો હતો તે જ પ્રમાણે ઈડરમં પણ ૩૩ મીમી વરસાદ થયો હતો. હિંમતનગરમાં સામાન્ય એટલે કે, ૧૦ મીમી વરસાદ પડતા ઠેર-ઠેર ગંદકીનો ઉપદ્રવ થઈ ગયો છે.
દરમિયાન મંગળવારે સવારે ૮ વાગ્યાના સુમારે પ્રાંતિજ અને તલોદ તાલુકામાં વાતાવરણમાં આવેલા અચાનક પલ્ટા બાદ જોરદાર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. લગભગ એક કલાક સુધી પડેલા વરસાદને લીધે તલોદમાં ર૭ જ્યારે પ્રાંતિજમાં રર મીમી પાણી પડ્યું હતું. જો કે, હિંમતનગરમાં ફક્ત ૧ મીમી વરસાદ થયો હતો જો કે, મંગળવારે આખો દિવસ ઈડર, ખેડબ્રહ્મા, વડાલી, વિજયનગર અને પોશીના પંથકમાં ઉઘાડ નીકળ્યો હતો.