(સંવાદદાતા દ્વારા)
પ્રાંતિજ, તા.૩૦
પ્રાંતિજ સહિત તાલુકામાં દશામાના વ્રતના દશ દિવસ પૂર્ણ થતા દશામાની મૂર્તિઓનું વિસર્જન યોજાયું હતું. પ્રાંતિજમાં દશામાના મંદિર સહિતના રસ્તા ઉપર એસ.પી.ની સુચના મુજબ પ્રાંતિજ પોલીસે સોશ્યલ ડિસ્ટન્સ અને રાત્રે કરફ્યુનો ભંગ ના થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત મંદિર સહિત આજુબાજુમાં ગોઠવ્યો હતો. તો દશ દિવસનું વ્રત પૂર્ણ કરી માઇ ભકતો પ્રાંતિજ બોખ ખાતે મૂર્તિઓનું વિસર્જન કરવા ઉમટી પડયા હતા. જો કે પ્રાંતિજ પોલીસ આગળ કડક પહેરો ભરતી રહીને માઇ ભકતોએ પાછળના ભાગે ધોબીઘાટ વિસ્તારમા જઈ મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. આ અંગે મંદિરના ટ્રસ્ટી અને ભાજપ અગ્રણી નિત્યાનંદ બ્રહ્મભટ્ટે લોકોની આસ્થા મુદ્દે પોલીસની કડક અમલવારીનો વિરોધ કર્યો હતો અને સરકારની બેવડી નિતિ સામે રોષ વ્યક્ત કર્યો હતો. વધુમાં જણાવ્યું કે વ્રત પહેલા મૂર્તિઓને બજારમાં વેચાવા દેવી જોઈતી ન હતી. હવે, મૂર્તિવિસર્જન ટાણે આવી હેરાનગતિ કેમ ? તેવો પ્રશ્ન કર્યો હતો.