રાજુલા, તા.ર૧
રાજ્ય સરકાર દ્વારા ૩૦થી ઓછી વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી પ્રાથમિક શાળાઓને નજીકની પ્રાથમિક શાળામાં મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમજ અંગે સરકાર દ્વારા સર્વે કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે આ નિર્ણય પરત ખેંચવા વિકટરનાં યુવા આગેવાન અજય શિયાળ દ્વારા રાજ્યના ચીફ સેક્રેટરીને પત્ર લખતાં જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ તથા ગુજરાત સરકાર ઉપરોકત વિષયે નિર્ણય લેવા લઈ જઈ રહી છે. તે બહુ જ અન્યાયકર્તા છે. ગામમાં શાળા ન હોય તેની કલ્પના કરવી જ મુશ્કેલ છે. નાના-નાના બાળકોને ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ એ બાળકોનો બંધારણીય હકક છે. નાના-નાના બાળકોને કોઈના ભરોસે વાલીઓ બીજા ગામમાં મૂકવા કોઈપણ સંજોગોમાં તૈયાર થશે નહીં. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૭૪ તેમજ આર.ટી.ઈ. એકટ ૨૦૦૯-ર૦૧૦ તેમજ વખતો વખતના સુધારા સંદર્ભે ગુજરાત શિક્ષણ વિભાગના સરકારી પરીપત્રો અને ઠરાવોને નિયમોને આધિન કોઈપણ સંજોગામાં ૧ કિલોમીટરના અંતરમાં તેમજ ગામની હાલની પ્રાથમિક શાળાઓ બંધ કરી અને અન્ય ગામમાં મર્જ ન કરી શકાય તેવા પરીપત્રો થયેલ છે . તેમ છતાં શિક્ષણ વિભાગના સચિવ ડૉ. વિનોદ રાવના નિવેદન મુજબ જો નિર્ણય પરત લેવામાં આવશે નહીં તો આ ગામોના બાળકો પ્રાથમિક શિક્ષણથી વંચિત રહેશે તો એમની જવાબદારી કોની ? હાલની શાળામાં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે ત્યાં મુક્ત મને શાંતિથી અને સ્વસ્થતાથી ગુણવત્તા સભર અને સારા શૈક્ષણિક વાતાવરણમાં અભ્યાસ કરી રહ્યા છે. જો તે જ બાળકો અન્ય શાળામાં અભ્યાસ માટે જશે તો તેમના માનસ પર તે શાળામાં સેટ થતાં ત્યાંના સહ અભ્યાસી સાથે ત્યાંના વાતાવરણમાં અનુકૂલન થવા માટે ઘણા પ્રયત્નો કરવા પડશે તેમ છતાં તે બાળક અન્ય શાળાના વાતાવરણમાં અનુકુલન થવામાં અસફળ થશે ત્યારે તેના બાળ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ તે બાળકના ભાવિ શિક્ષણ પર ગંભીર નકારાત્મક અસર ઉત્પન થશે. જો આ પ્રશ્ને નિર્ણય લેવામાં આવશે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે નાનાં-નાનાં બાળકોના શૈક્ષણિક હિતમાં આંદોલન કરવા માટે મજબૂર કરશો નહીં. તેમ છતાં અમારી લાગણી અને માગણી સ્વીકારવામાં આવશે નહીં તો બાળકોના બંધારણીય પ્રાથમિક શિક્ષણના હકક માટે ન્યાય પ્રક્રિયામાં જવા માટે મજબૂર કરશો નહીં.