(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.૪
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે તો બીજી તરફ સરકારના આ નિર્ણય સામે શિક્ષકોમાં ભારે રોષની સાથે નારાજગી ઊભી થવા પામી છે.
આ પ્રશ્ને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે વિરોધ નોંધાવ્યો છે અને સંઘના મહામંત્રી વિશ્વજીત ચૌધરીની સહી સાથે ગુજરાત રાજ્ય શિક્ષક સંઘને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોની ઓએમઆર પદ્ધતિથી પરીક્ષા લેવાની હિલચાલ ચાલી રહી છે. જે ખરેખર યોગ્ય નથી. રાજ્યના શિક્ષકો સંપૂર્ણ યોગ્યતા ધરાવે છે. છતાં શિક્ષક તરીકેની ગુણવત્તા ઉપર શોધ સેવી શિક્ષકોની ગુણવત્તા અને યોગ્યતાની કસોટી લેવીએ ખરેખર દુઃખદ બાબત કહેવાય. એમ પણ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન શાળાના દરેક વર્ગના શિક્ષકોની આડકતરી પરીક્ષા કરી પેપર જોવામાં આવે છે તથા શાળાના ગુણોત્સવ કાર્યક્રમમાં પણ શિક્ષકોની જ પરીક્ષા થતી હોય છે.