(એજન્સી) તહેરાન, તા.૧૩
ઈરાનના પ્રમુખ હસન રૂહાની આ અઠવાડિયામાં ત્રણ દિવસ માટે ભારતની મુલાકાતે આવવાના છે. મીડિયા અહેવાલો મુજબ રૂહાની ગુરુવારે ભારત જવા રવાના થશે. આ મુલાકાત દરમ્યાન તેઓ હાલના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. એક ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે તેમને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું હતું. ભારત અને ઈરાન મહત્ત્વની યોજનાઓમાં સહયોગીઓ છે. ખાસ કરીને દક્ષિણ-પૂર્વ ઈરાનમાં આવેલું ચાબહાર બંદર જેની ડિસેમ્બર મહિનામાં શરૂઆત કરવામાં આવી હતી. ભારત ઈરાનના ખનીજ તેલ અને કુદરતી ગેસનો મહત્ત્વનો ખરીદદાર છે. આ ઉપરાંત જ્યારે ર૦૧રથી ર૦૧૬ દરમ્યાન ઈરાનના પરમાણુ કાર્યક્રમ માટે તેના પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા ત્યારે પણ ભારતે ઈરાન સાથે વ્યાપાર ચાલુ રાખ્યો હતો. પરંતુ ઈરાનના અખાતના ફરઝદ-બી નામના ગેસ ક્ષેત્રમાંથી ગેસ કાઢવા માટેના કરારમાં વિલંબના ભારતીય મીડિયાના અહેવાલો પછી બંને દેશોના સંબંધોમાં તણાવ ઉત્પન્ન થયો હતો. આના વિરોધમાં માર્ચ ર૦૧૭માં ભારતે જાહેરાત કરી હતી કે તે ઈરાનમાંથી ખનીજ તેલની આયાતમાં ઘટાડો કરશે. આના વિરોધમાં તહેરાને કહ્યું હતું કે, તે ભારતને આપવામાં આવતી ક્રેડિટ લાઈનને મર્યાદિત કરશે. ભારત અને ઈરાન બંને આ વિવાદને ઢાંકીને અન્ય ક્ષેત્રોમાં ભાગીદારી તરફ આગળ વધશે. ઈરાનના રેલવે નેટવર્કને વિસ્તારવા માટે ગયા મહિને ભારત સાથે કરાર કરવામાં આવ્યા હતા જેમાં ચાબહારને રેલવે નેટવર્ક સાથે જોડવાની યોજના છે.

ઇરાનના પ્રમુખ હસન રૂહાની મક્કા મસ્જિદમાં જુમ્આની નમાઝ પઢશે, ઉલેમાઓને સંબોધશે

ઇરાનના પ્રમુખ હસન રોહાની ગુરૂવારે ભારતના પ્રવાસે આવશે અને સૌપ્રથમ હૈદરાબાદની મુલાકાત લેશે. તેઓ હૈદરાબાદમાં આવેલા વિખ્યાત મક્કા મસ્જિદમાં જુમ્માની નમાઝ અદા કરશે અને ત્યારબાદ સાંજે ઉલેમાઓ, વિદ્વાનો તથા મુસ્લિમ નેતાઓને સંબોધિત કરશે. હસન રોહાની શુક્રવારે જુમ્માની નમાઝ અદા કરીને મસ્જિદમાં પણ બયાન કરશે. આ દરમિયાન ભારતમાં ઇરાનના રાજદૂત અને ઇરાનના કાઉન્સિલ જનરલ પણ હૈદરાબાદમાં તેમની સાથે હશે. નોંધનીય છે કે, હસન રોહાની આ પહેલા પણ હૈદરાબાદની મુલાકાત લઇ ચૂક્યા છે. મહત્વની વાત એ છે કે, ડો. રોહાનીએ બ્રિટનની ગ્લાસગોવ કેલેડોનિયન યુનિવર્સિટીમાંથી ઇસ્લામિક શરિયતમાં ડોક્ટરેટની પદવી મેળવેલી છે. તેઓ આંતરરાષ્ટ્રીય વિદ્વાન તરીકે પંકાયેલા છે. એવી પણ આશા છે કે, હસન રોહાની ભારતના હૈદરાબાદની મુલાકાત દરમિયાન કુતુબ શાહી મકબરાઓની મુલાકાતે પણ જઇ શકે છે અને પૂર્વ કુતુબ શાહી શાસકોના મઝાર પર ખિરાજે અકીદત પેશ કરી શકે છે.