(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૭
નિઝામપુરા સ્થિત ઘેલાણી પેટ્રોલ પંપ પાસે ફોચ્યુન હબમાં આવેલા ઓપ્ટેન પિત્ઝાનાં રસોડામાં ગેસ લીકેજ થતા આગ ફાટી નિકળી હતી. આગને પગલે સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા. પાણીનો મારો ચલાવી આગ બુઝાવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન ફાયર બ્રિગેડની ટીમે આગને કાબુમાં લીધી હતી.
કિચનની અંદર ૧૦ જેટલા સિલીન્ડરો હતા જે ફાટયા હોત તો મોટી હોનારત સર્જાય હોત. સ્થાનિક રહીશો દ્વારા પિત્ઝા શોપ બંધ કરવા માંગણી કરી છે. ઘેલાણી પેટ્રોલ પંપ પાસે ફોચ્યુન હબ નામનું કાચનું બિલ્ડીંગ આવેલું છે. બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોરમાં ઓકટેન પિત્ઝા નામનું રેસ્ટોરંટ આવેલું છે. અને બિલ્ડીંગના ત્રીજા માળે ટયુશન કલાસ આવેલ છે. બપોરનાં સમયે એકાએક આગ ફાટી નિકળતા દોડધામ મચી ગઇ હતી. આગ પ્રચંડ ધારણ શરૂ કરે તે પહેલા પિત્ઝા શોપની બાજુમાં રહેતા સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા. પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી દીધી હતી. ફાયર બ્રિગેડનાં સબ ફાયર ઓફિસર ઓમ જાડેજા સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને પિત્ઝા રેસ્ટોરન્ટ પર લાગેલી આગને કાબુમાં લીધી હતી. ફાયર બ્રિગેડને પ્રાથમિક તપાસમાં એક સિલીન્ડર લીકેજ હતો જેને કારણે આગ લાગી હતી. સમયસર આગ કાબુમાં આવી ના હોત તો મોટી દુર્ઘટના સર્જાઇ હોત. કિચનમાં ૧૦ જેટલા ગેસનાં સીલીન્ડરો હતા. જે ફાટયા હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની સંભાવના હતી. આગને પગલે વિસ્તારનાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે કોઇ જાનહાનિ થઇ નથી. કિચનનો તમામ સામાન બળીને રાખ થઇ ગયો હતો. રહીશોએ તાત્કાલીક પિત્ઝા રેસ્ટોરન્ટ બંધ કરાવવા મહાનગર સેવાસદન સમક્ષ માંગણી કરેલી છે.