(એજન્સી) તા.૨૪
જેઓ હવે બિહાર સરકાર, તેના પ્રધાનો, સાંસદો અને ધારાસભ્યો અને સરકારી અધિકારીઓ અંગે સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરશે તેમની વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી હવે કરી શકાશે. બિહાર પોલીસ વડા મથકના ઇકોનોમિક એન્ડ સાઇબર ક્રાઇમ ડિવીઝન દ્વારા આ સંદર્ભમાં ગુરુવાર ૨૧,જાન્યુ.ના રોજ એક પત્ર જારી કરાયો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી મુખ્ય પ્રધાન નિતીશ કુમાર સોશિયલ મીડિયા પર નેગેટીવ પોસ્ટ અંગે અનેક ટિપ્પણી કરી ચૂક્યાં હતાં તેથી એવુ માનવામાં આવે છે કે આ આદેશ તેમના ઇશારે કરવામાં આવ્યો છે. આઇજીપી (આર્થિક અપરાધ શાખા) નાયર હસ્નૈન ખાનની સહીથી ઇસ્યૂ કરવામાં આવેલ આ પત્ર બિહાર સરકારના તમામ અગ્ર સચિવો અને સચિવોને મોકલવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે અમને સતત એવી માહિતી મળી રહી છે કે સરકાર પ્રધાનો, સાંસદો, ધારાસભ્યો અને સરકારી અધિકારીઓના સંદર્ભમાં કેટલાક વ્યક્તિઓ અને સંગઠનો દ્વારા સોશિયલ મીડિયા-ઇન્ટરનેટ મારફતે વાંધાજનક, સુરૂચિનો ભંગ થાય તેવી અને ગેરમાર્ગે દોરનારી ટિપ્પણીઓ કરવામાં આવે છે.આ બાબત કાયદા વિરુદ્ધ છે અને સાયબર ક્રાઇમની કેટેગરી હેઠળ આવે છે.
આ પ્રકારના કૃત્ય બદલ આવી વ્યક્તિઓ અને ગ્રુપ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી થઇ શકે છે આથી તમારા ધ્યાન પર જો આવા કેસો આવે તો વિસ્તૃત માહિતી સાથે આર્થિક અપરાધ શાખાને જાણ કરવા માટે વિનંતી કરવામાં આવે છે કે જેથી આર્થિક અપરાધ શાખા તેની નોંધ લઇને કાર્યવાહી કરી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇ સાલ નીતિશકુમારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સોશિયલ મીડિયા પર અયોગ્ય કન્ટેન્ટને નિયંત્રિત કરવા સ્ટ્રિમિંગ સર્વિસ પર સેન્સરશીપ લાદવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સોશિયલ મીડિયા પર સરકારની આલોચના વધી છે કારણ કે લોકો પોતાની ફરીયાદને વાચા આપવા આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.
વિરોધ પક્ષોએ આ આદેશને વખોડી કાઢ્યો છે અને જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર અવાજને ગુંગળાવી નાખવાનો આ પ્રયાસ છે. બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન અને રાજદના નેતા તેજસ્વી યાદવે આ આદેશને સોશિયલ મીડિયા પર જ વખોડી કાઢ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ૬૦ કૌભાંડોના સર્જક એવા નીતિશકુમાર ભ્રષ્ટાચારના ભીષ્મ પિતામહ છે અને અનૈતિક અને ગેરકાયદે સરકારના નબળા વડા છે અને અપરાધીઓના સંરક્ષક છે. બિહાર પોલીસ દારુ વેચે છે, અપરાધીઓને મદદ કરવામાં આવે છે. નિર્દોષોને ફસાવવામાં આવે છે. હું મુખ્ય પ્રધાનને આ આદેશ હેઠળ મારી ધરપકડ કરવા પડકાર ફેકુ છુ.આમ પ્રિન્ટ મીડિયા બાદ હવે નીતિશ સરકાર સોશિયલ મીડિયા પર પણ પોતાનો અંકૂશ જમાવવા માગે છે એવો બિહારના વિપક્ષોએ આક્ષેપ કર્યો છે.