(એજન્સી) મુંબઈ, તા.૫
મહારાષ્ટ્રમાં ભાજપના ઉપાધ્યક્ષ ચિત્રા વાઘે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સમક્ષ હાથરસ જતાં સમયે દિલ્હી-યુપી સરહદે કોંગ્રેસના મહિલા નેતા પ્રિયંકા ગાંધીના કપડાં ખેંચનારા પોલીસ કર્મી વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમણે કહ્યું છે કે, આ પોલીસ કર્મીની હિંમત કેવી રીતે થઇ જે એક મહિલાના કપડાં પર હાથ નાખે ? ચિત્રા વાઘે ટિ્‌વટ કરતા જણાવ્યું કે, પોલીસ કર્મીની હિંમત કેવી રીતે થઇ કે એક મહિલાના કપડાં પર હાથ નાખી શકે ? સમર્થનમાં જો મહિલા આગળ આવે તો પોલીસ ક્યાંય પણ હોય તેમણે પોતાની મર્યાદાનું ધ્યાન રાખવું જોઇએ. ભારતીય સંસ્કૃતિમાં વિશ્વાસ રાખનારા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એવા પોલીસ કર્મીઓ સામે સખત કાર્યવાહી કરે. મહારાષ્ટ્ર યુથ કોંગ્રેસના પ્રમુખ સત્યજીત તાંબેએ ભાજપના મહિલા નેતા ચિત્રા વાઘની પ્રશંસા કરી છે. પાછલા વર્ષે એનસીપી છોડીને ભાજપમાં સામેલ થયેલા ચિત્રા વાઘ પાર્ટી બદલાવા છતાં પોતાના સંસ્કાર નથી ભૂલ્યા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના બહેન પ્રિયંકા ગાંધી શનિવારે વહીવટીતંત્ર પાસેથી પરવાનગી મળ્યા બાદ સામુહિત બળાત્કારની પીડિતાના પરિવારને મળવા માટે હાથરસ જવા રવાના થયા હતા. વચ્ચે ગૌતમબુદ્ધ નગરમાં ટોલ પ્લાઝા પર કોંગ્રેસના કાર્યકરો એકઠા થયા હતા. તેમના પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક હેલમેટ પહેરેલા પોલીસ કર્મીએ પ્રિયંકા ગાંધીનો કૂર્તો પકડીને તેમને ખેંચ્યા હતા. આ ઘટના સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ હતી.