(એજન્સી) કઠુઆ, તા.૧૪
કઠુઆમાં ૮ વર્ષીય માસૂમ આસિફાના રેપ હત્યા મામલે પત્રકાર નાઝમાખાને પોતાના બ્લોગમાં તેમના વિચાર રજૂ કર્યા હતા. તેમણે બ્લોગમાં લખ્યું કે, કેસરના ફૂલ જેવી દેખાતી માસૂમ જંગલોમાં નિર્ભય થઈને ઘૂમતી હતી. કેમ કે આ જંગલો સાથે તેને મિત્રતા હતી તેને આ જંગલના જાનવરોથી કદાચ જ ભય ઉપજ્યો હશે. તેણે સપનામાં પણ ક્યારેય નહીં વિચાર્યું હોય કે જે જંગલે તેને ક્યારેય ભય પમાડ્યો નથી એ જ જંગલમાં માણસના ચહેરામાં છૂપાયેલ રાક્ષસ તેની જાતને ક્ષીણ-ક્ષીણ કરી નાંખશે. નાઝમાખાને લખ્યું કે, એમના શબ્દો કદાચ એ હેવાનિયતને વર્ણવી શકશે નહીં જે માસૂમ આસિફા સાથે ઘટ્યું. મારા શબ્દો એ દુઃખને રજૂ કરવાની લાયકાત ધરાવતા નથી. જે આઠ વર્ષની આત્માએ સહન કર્યા.
તેમણે બ્લોગમાં કહ્યું કે, માસૂમ આસિફાને જે ક્રૂરતાપૂર્વક મારપીટ કરી, ભૂખી-તરસી રાખી નશાની દવાઓ આપી, રાક્ષસોએ તેના શરીરને ચૂંથી નાંખ્યું. જે નફરતની સજા એ બાળકીને આપવામાં આવી એ નફરતનો અર્થ કદાચ જ તે સમજતી હશે ? માણસ કેટલો ખતરનાક થઈ ગયો છે જે પોતાની અદાવતો માટે બાળકોને શિકાર બનાવી રહ્યો છે. ક્યારેય સાંભળ્યું હતું કે બાળક સૌના પ્રિય હોય છે દુશ્મન પણ બાળકને છોડી મૂકે છે પરંતુ કઠુઆની ઘટનાએ બધા જ ભ્રમ ભાંગી નાંખ્યા છે. જેના પર કહેવતો બનતી હતી. તેમણે લખ્યું કે ભારતના ઈતિહાસમાં તો ખબર નથી પરંતુ કઠુઆના ઈતિહાસમાં ભયાનક ઘટનાના રૂપમાં જીવિત રહેશે. તેમણે કહ્યું કે મારો અને માસૂમ બાળકીને ધર્મ એક જ હોવાથી રાજકારણ પર કંઈ લખીશ નહીં કેમ કે હું જે કહેવા માંગું છું એ છોડીને અન્ય તમામ અર્થ કાઢવામાં આવશે. તેમણે કહ્યું કે, ખુદા ન કરે પરંતુ અન્ય ધર્મની દીકરી સાથે પણ આ બનાવ બનતો ત્યારે પણ મારા વિચારો આ જ હોત. અંતમાં તેમણે લખ્યું કે, પ્રિય દીકરી આસિફા, અમને માફ કરી દેજે, અમે તને એક સુરક્ષિત વતન આપી શક્યા નહીં, તારા આત્માને શાંતિ મળે, ખરેખર અમે શરમ અનુભવીએ છીએ.