(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૧૬
પેટલાદ તાલુકાનાં ધર્મજ ગામે આણંદ લોકસભાની સામાન્ય ચુંટણી દરમિયાન બોગસ મતદાન કરાવનાર પ્રીસાઈડીંગ ઓફીસર સહીત ચાર પોલીંગ કર્મચારીઓ વિરૂદ્ધ ચુંટણીનાં ઝોનલ ઓફીસરએ પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે લોક પ્રતિનીધીત્વ અધિનીયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર આણંદ લોકસભાની સામાન્ય ચુંટણી દરમિયાન ગત તા.૨૩મી એપ્રીલનાં રોજ યોજાયેલા મતદાન દરમિયાન બપોરનાં ૩ થી ૪ દરમિયાન પોલીંગ સ્ટાફની મદદથી કેટલાક શખ્સો બોગસ મતદાન કરતા વેબ કાસ્ટીંગ નિરિક્ષણ કરતા ઝડપાઈ ગયા હતા જેને લઈને જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા ચુંટણી પંચને રજુઆત કરતા ચુંટણી પંચ દ્વારા ધર્મજ ગામનાં બુથ.નં.૮ નું મતદાન રદ કરીને ફેર મતદાન આપતા ગત તા.૧૨મી મેનાં રોજ આ બુથ પર ફેર મતદાન યોજાયું હતું.
ધર્મજ ગામનાં બુથ નં.૮ પર થયેલા બોગસ મતદાન અંગે ઝોનલ અધિકારી કીરીટકુમાર ઠાકોરલાલ શાહએ પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે,જેમાં બુથ નં.૮નાં મુખ્ય પ્રીસાઈડીંગ અધિકારી દીલીપભાઈ મણીભાઈ પટેલ,મુખ્ય મતદાન અધિકારી કેયુર હસમુખભાઈ પટેલ,મહિલા મતદાન અધિકારી વર્ષાબેન ચિતરંજન પ્રજાપતી, મતદાન અધિકારી જયાબેન અલ્પેશકુમાર વણકરએ કેટલાક શખ્સોની મદદથી બુથનાં પોલીંગ એજન્ટ સાથે મળીને બોગસ મતદાન કરાવ્યું હતું.
જેથી પેટલાદ ગ્રામ્ય પોલીસે કીરીટકુમાર ઠાકોરલાલ શાહની ફરીયાદનાં આધારે મુખ્ય પ્રીસાઈડીંગ અધિકારી દીલીપભાઈ મણીભાઈ પટેલ,મુખ્ય મતદાન અધિકારી કેયુર હસમુખભાઈ પટેલ,મહિલા મતદાન અધિકારી વર્ષાબેન ચિતરંજન પ્રજાપતી, મતદાન અધિકારી જયાબેન અલ્પેશકુમાર વણકર તમામ રહે,આણંદ વિરૂદ્ધ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૦,૧૯૫૧,૧૯૮૯ની કલમ ૧૨૯ અને લોક પ્રતિનિધિત્વ ધારો ૧૩૪,૧૩૫ એ અને ઈપીકો કલમ ૧૭૧ ડી,૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.