(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૭
ઉધના વિસ્તારમાં રહેતી એક પરિણીતાને એક યુવકે પોતાના પ્રેમજાળમાં ફસાવી પત્ની તરીકે રાખવાનું જણાવી તેને ઘરેથી ભગાડી ગયા બાદ તેને તરછોડી દીધી હતી. પરિણામે પરિણીતાએ આપઘાત કરી લેતાં તેના પિતાએ ઉધના પોલીસ મથકમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.ઉધના વસાહત-૨માં રહેતો રાહુલ રામવિલાસ ગુપ્તા નામના યુવકે આ જ વિસ્તારમાં રહેતી એક યુવતી પરિણીત હોવા છતાં તેની સાથે મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી હતી. પરિણીતાને પત્ની તરીકે રાખવાનું જણાવી પ્રેમસંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ તેણીને ઘરેથી રાહુલ ભગાડીને લઇ ગયો હતો. પરંતુ થોડા સમય પછી પરિણીતાને પત્ની તરીકે રાખવાના બદલે તેને તરછોડી દીધી હતી. રાહુલે કરેલા વિશ્વાસઘાતથી પરિણીતા માનસિક તાણમાં આવી ગઇ હતી. સમાજમાં બદનામીના ડરથી તેણીએ તા.૨૪મી સપ્ટેમ્બરના રોજ ઘરમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ સંદર્ભે પરિણીતાના પિતાએ રાહુલે પુત્રીને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપી હોવાની ફરિયાદ ઉધના પોલીસ મથકમાં નોેંધાવી હતી.