(સંવાદદાતા દ્વારા)
જૂનાગઢ, તા.૧૭
રાજકોટના કોઠારિયા રોડ ઉપર બાલાજી પાર્કમાં રહેતા વણિક સોની મનોજભાઈ સિમેજિયા (ઉ.વ.૫૧) છેલ્લા સાતેક વર્ષથી ગુમ હતા. આ દરમિયાન સાસણ રોડ ઉપર જંગલ વિસ્તારમાંથી તેમની હત્યા કરાયેલી હાલતમાં હાડપિંજર મળી આવતા ચકચાર જાગી ઊઠી હતી. આ બનાવ અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ અંગે એલસીબી સ્ટાફે તપાસનો ધમધમાટ હાથ ધરી આ હત્યા કેસનો ભેદ ઊકેલવામાં ભારે સફળતા મળી હતી. પત્નીએ જ પ્રેમી સાથે મળી અને પતિને મોતને ઘાટ ઊતારી દીધો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આ ચકચારી બનાવ અંગેની પોલીસે આપેલી વિગતો અનુસાર જૂનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ શહેરમાં કોઠારિયા મેઈન રોડ ઉપર બાલાજી પાર્કમાં રહેતા વર્ષાબેન સિમેજિયાએ આવી જાહેરાત કરેલ કે, પોતાના પતિ મનોજ સિમેજિયા સોની છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઘરેથી ગૂમ થયેલ હોઈ તેઓના કપડાં અને વાળ હાડકાં જેવો સામાન સાસણ નજીક જંગલમાંથી મળી આવ્યા હોવાની જાણ કરવામાં આવેલ હતી. પોતાને પોતાના પતિના કપડાં અને ચીજ-વસ્તુ જંગલમાં હોવાની જાણ પોતાના ધર્મના ભાઈ હિંમતભાઈ મહેતા કે જેઓ ધારીના છે અને ફોરેસ્ટમાં નોકરી કરે છે. તેણે કરી હોવાની બાબત પણ મેંદરડા પોલીસને જણાવેલ હતી. મેંદરડા પીએસઆઈ એ.બી. દેસાઈ તથા સ્ટાફ દ્વારા જંગલમાં તપાસ કરતા કપડાં, પાકિટ, ચપ્પલ, માથાના વાળ, હાડકાં વગેરે ચીજ-વસ્તુઓ જોવા મળતા, ખરાઈ કરી, મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરી, તપાસ હાથ ધરવામાં આવેલ હતી. વર્ષાબેન દ્વારા કરવામાં આવેલ જાહેરાત પહેલેથી જ શંકાસ્પદ હોઈ, જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાંચના પોઆઈ આર.સી. કાનામિયા, પીએસઆઈ આર.કે. ગોહિલ, મેંદરડા પીએસઆઈ એ.બી. દેસાઈ તથા સ્ટાફની જુદી-જુદી ત્રણ ટીમો બનાવી, જાહેરાત કરનાર વર્ષાબેન મનોજભાઈ સિમેજિયા સોનીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, વર્ષાબેન સોની ભાંગી પડ્યા હતા અને પોતાના પતિને મોતને ઘાટ ઊતારવામાં પોતાના ધર્મના ભાઈ જણાવેલા એવા હિંમતભાઈ મહેતા દ્વારા મદદ કરવામાં આવેલ હોવાની તથા પોતે પણ આ વાત જાણતા હોવાની કબૂલાત કરવામાં આવતા, પોલીસ પણ ચોંકી ઊઠી હતી. જેથી આ બાબતે મરણજનાર મનોજભાઈ સિમેજિયાના પુત્ર રજનીકાંત સિમેજિયા સોની (ઉ.વ.૨૪, રહે. બાલાજી પાર્ક, કોઠારિયા મેઈન રોડ, રાજકોટ) દ્વારા આરોપીઓ પોતાની માતા વર્ષાબેન મનોજભાઈ સિમેજિયા તથા હિંમતભાઈ મહેતા (રહે. ધારી) વિરૂદ્ધ મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવતા, ફરિયાદ દાખલ કરી, આગળની તપાસ મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.બી. દેસાઈ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી. પોલીસની જુદી-જુદી ટીમો દ્વારા વર્ષાબેન સોનીની પૂછપરછ કરવામાં આવતા પોતાને જુગાર રમવાની ટેવ હોય, પોતે જુગાર રમવા અમરેલી જતી હોઈ, પોતાને ધારીના દેવડા ગામે રહેતા અને ફોરેસ્ટ ખાતામાં નોકરી કરતા, હિંમત મહેતા રાજગોર બ્રાહ્મણ સાથે ઓળખાણ થયેલ અને આંખ મળી જતા, પ્રેમસંબંધ અને આડા સંબંધ બંધાયેલા હતા. ત્યારબાદ અવાર-નવાર હિંમતભાઈ બ્રાહ્મણ પોતાને અમરેલી બોલાવતા તેમજ રાજકોટ પણ આવતા અને તેની સાથે શરીર સુખ માણતી હોઈ પોતાનો પતિ રિક્ષા ચલાવતો હતો અને કાયમી સતત દારૂ પીને આવતો હોઈ, પોતે દુઃખી હોવાની વાત પોતાના પ્રેમી હિંમતભાઈ મહેતાને કરેલી હતી. આરોપી હિંમત મહેતા મરણજનાર મનોજભાઈ સોનીને લઈને સાસણ વિસ્તારમાં કઠાળા નેસ જવાના રસ્તે દારૂ પાઈને લાવેલ અને પથ્થરમાં માથું ભટકાડી, મોત નિપજાવેલ અને તેની જાણ વર્ષાબેનને કરેલ કે, કામ પતી ગયું છે. પોલીસની પૂછપરછમાં તમામ વિગતો ખુલી જતા તપાસમાં રહેલ પોલીસ ટીમોએ તાત્કાલિક ધારી તાલુકાના દેવડા ગામે પહોંચી, આરોપી હિંમતભાઈ મહેતાને રાઉન્ડ અપ કરી, મેંદરડા લાવી સઘન પૂછપરછ કરતા, પોતે અને મરણજનાર મનોજભાઈ સિમેજિયા સોનીના પત્ની વર્ષાબેન સોનીના કહેવાથી બંનેએ મળી, આ ગુનો આચર્યો હોવાની કબૂલાત કરવામાં આવેલ છે. મેંદરડા પોલીસ દ્વારા આરોપીઓ વર્ષાબેન મનોજભાઈ સિમેજિયા તથા હિંમતભાઈ નારણભાઈ મહેતાની ધરપકડ કરી અને પાંચ દિવસના રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવનાર છે.