બોડેલી, તા. ૧૨
બોડેલી તાલુકાના મોરખલા ગામે પ્રેમીના માતા-પિતાએ પ્રેમિકાને લાતોથી માર મારી પ્રેમિકાને દુષપ્રેરણ કરતા પ્રેમિકા નર્મદા મુખ્ય કેનાલના પાણીમાં કૂદી પડતા પ્રેમિકાનું મોત નિપજ્યું હતું. બોડેલી પોલીસ પ્રેમીના માતાપિતા વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બોડેલી તાલુકાના મોરખલા ગામે રહેતા પ્રભાતભાઈ મોહનભાઈ બારિયાની ૨૦ વર્ષીય પુત્રી હેતલબેન ઘરેથી ભેંસ ચરાવળા માટે ગોવાળ ગયેલ હતા અને તેઓ સાથે સુશીલાબેન ભેંસો ચરાવતા હતા ત્યારે મહેશભાઈ ઉર્ફે બાબુભાઈ મોહનભાઈ બારિયા અને તેઓની પત્નિ શર્મિષ્ઠા બેન મહેશભાઈ બારિયા હેતલબેન પાસે આવી કહેલ કે તું મારા છોકરા અતુલ સાથે કેમ બોલે છે તારે અમારા છોકરા સાથે બોલવાનું નહીં કહી ગમેતેમ ગાળો બોલી હેતલબેનને હાથથી તેમજ લાતોથી માર મારતા ત્યાં હાજર સુશીલાબેન વચ્ચે છોડવા પડેલ પરંતુ દંપતીએ સુશીલાબેનને વચ્ચે પડવું નહીં કહીને હેતલબેન માર મારતા રહ્યા જેથી હેતલબેન મોરખલા નર્મદા મુખ્ય કેનાલ તરફ દોડી ગઈ હતી અને કેનાલ ધસમસતા પાણીમાં કુદી હેતલબેન જીવન ટૂંકાવ્યું હતું. ગામ લોકો મોરખલા અને સણોલી વચ્ચે નર્મદા કેનાલના પાણીમાંથી હેતલબેનની લાશ બહાર કાઢી હતી અને હેતલબેનના પિતા બોડેલી પોલીસ મથકે મહેશભાઈ ઉર્ફે બાબુભાઈ અને શર્મિષ્ઠા બેન વિરૂદ્ધ દુષપ્રેરણની ફરિયાદ નોંધાવી છે.