અંકલેશ્વર,તા.ર
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામે પ્રેમિકાને લઇ પૂર્વ પ્રેમી અને વર્તમાન પ્રેમી વચ્ચે થયેલ ઝગડામાં ૪ને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જીઆઇડીસી પોલીસે બંને પક્ષની સામસામે રાયોટીંગ તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી.અંકલેશ્વરના સારંગપુર ગામના દિવ્યેશ ગામીત દ્વારા પોલીસ મથકે અઝીમ શેખ અને ઐયાઝ શેખ તેમજ અન્ય ૫થી વધુ ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં દિવ્યેશ ગામીતનો અગાઉ અન્ય કોમની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો અને હાલમાં અઝીમ શેખ સાથે છે. યુવતી દિવ્યેશની સોસાયટીમાં લગ્ન પ્રસંગે આવી હતી. તેને દિવ્યેશ અને તેનો મિત્ર લેવા ગયા હતા. જે અજીમના મિત્રએ જોઈ લેતા અજીમને જાણ કરી હતી. જેને લઇ અજીમએ દિવ્યેશને ફોન કરી મારવાની ધમકી આપી હતી. તેમજ સારંગપુર પાટીયા પર બોલાવ્યો હતો. જ્યાં અજીમ અને ઐયાઝ શેખ તેમજ અન્ય તેના રીક્ષા અને બાઈક પર આવેલ મિત્રો ઉભા હતા. જેને દિવ્યેશ અને તેના મિત્ર દક્ષેશને જાતિવિષયક અપમાન કરી બીભત્સ ગાળો આપી હતી. તેમજ લાકડા સપાટો વડે માર માર્યો હતો અને અજીમ શેખએ ચપ્પુ વડે હુમલો કરતા વચ્ચે પડેલા દક્ષેશને પેટના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જે અંગે જીઆઇડીસી પોલીસે રાયોટીંગ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. તો સામે પક્ષે ઐયાઝ શેખે વિકાસ પટેલ, પ્રતીક પટેલ, અક્ષય પટેલ અને અન્ય પાંચથી વધુ ઈસમો સામે રાયોટીંગનો ગુનો નોંધાવ્યો હતો. જેમાં યુવતીને દિવ્યેશ સાથે ઐયાઝ શેખ જોઈ જતા આ અંગે અજીમ શેખને જાણ કરી હતી જેની રીક્ષા રાખી બીમાર દાદીની ખબર લેવા માટે તેના મિત્ર મફરોઝ સાથે જઈ રહ્યો હતો તે દરમિયાન સારંગપુર પાટિયા પાસે તેની રીક્ષા રોકી તમામે હુમલો કરી ઐયાઝને માથામાં ત્રીકમ તેમજ મફરાજને કુહાડી અને અજીમને કુહાડી મારી ગંભીર ઇજા પહોંચાડી રીક્ષાની તોડફોડ કરી નુકશાન કર્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જીઆઇડીસી પોલીસે બને પક્ષની ફરિયાદ આધારે ધડપકડ કરવામાં ચક્રોગતિમાન કર્યા હતા.