(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.રર
કેશોદ તાલુકાના મોવાણા ગામે રહેતી યુવતીને આજ ગામના યુવાન સાથે પ્રેમ થઈ જતાં યુવાનીમાં પ્રેમ પાંગર્યો હતો. દોઢેક વર્ષના પ્રેમસંબંધમાં યુવતી ગર્ભવતી બનતાં પ્રેમીએ સ્વીકારવા અનાદાર કરી જીવતી સળગાવી દેવાની ધમકી આપતાં કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કેશોદ પોલીસ સ્ટેશનમાં રૂબરૂમાં મહિલા કોન્સ્ટેબલ સમીનાબેન બેલીમ સમક્ષ યુવતીએ કરેલી વાત મુજબ દોઢેક વર્ષ અગાઉ મોવાણા ગામે ડેમમાં માટીના ટ્રેક્ટર ભરવામાં આવતાં હતા. ત્યારે ગામના યુવાન માર્શલ વડારિયા સાથે બળતણ વિણવા જતાં પ્રેમસંબંધ બંધાયો હતો ત્યારબાદ વારંવાર મળતાં હતા. છેલ્લે યુવાનની વાડીમાં શરીરસંબંધ બાંધતા ગર્ભ રહી ગયાનું ધ્યાને આવ્યું હતું. યુવતીએ પોતાની શારીરિક ફેરફારની હકીકત યુવાનને કહેતા તેણે કહ્યું હતું કે, તારે જે કરવું હોય તે કર માટે કાંઈ લેવાદેવા નથી. વધુમાં ધમકી આપી હતી કે કોઈને મારા વિશે કહીશ તો જીવતી સળગાવી દઈશ. જેથી ગભરાઈ ગયેલી યુવતીની હકીકત ધ્યાને લઈ કેશોદ પોલીસ દ્વારા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ ડીવાયએસપી બી.જે.ગઢવી ચલાવી રહ્યા છે. મોવાણા ગામે આ બનાવ બનતાં ચર્ચા શરૂ થઈ ગઈ છે અને વધુ વિગત આરોપી યુવાન ઝડપાયા બાદ પ્રકાશમાં આવશે.