(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૬,
પ્રેમીના બ્લેકમેલીંગથી કંટાળી સંબંધ તોડી નાખનાર સગીરાના પ્રેમીએ સગીરાને ઘરે જઇ પરિવારજનોને ધમકી તેમજ હુમલો કરવાનો પ્રયાસ કરતાં સગીરાએ ફિનાઇલ પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાપ્ત થતી વિગત અનુસાર સોશ્યલ મિડીયાનો ઉપયોગને બદલે ગેરઉપયોગ વધુ થતો હોવાથી આજે સમાજમાં તેની અવળી અસર જોવા મળી રહી છે. માધ્યમિક સ્કૂલમાં અભ્યાસ કરતી કિશોરીને એક યુવક સાથે ફ્રેન્ડશીપ થઇ હતી. પ્રેમ સંબંધ વધતા કિશોરીને માલુમ પડ્યું હતું કે, યુવાન કોઇ કામ ધંધો કરતો નથી. જેથી કિશોરી નારાજ રહેતી હતી. તેને આખરે યુવક સાથેનાં સંબંધ તોડી નાખ્યા હતા. જેથી પ્રેમી યુવક રોષે ભરાયો હતો. વિદ્યાર્થિનીને યુવકે ધમકી આપી હતી કે, તારા ફોટા મારા મોબાઇલમાં છે તને બદનામ કરી દઇશ તેમ કહી બ્લેકમેલીંગ કરવા માંડ્યો હતો. આ યુવકે બે મિત્રો સાથે વિદ્યાર્થિનીના ઘરમાં ઘુસી ગયો હતો. અને વિદ્યાર્થિનીના માતાને ધમકી આપી હતી કે, તારી પુત્રી કેમ મારી સાથે બોલતી નથી. આમ કહી માતાને ગાળો આપી હતી. તેના એક સાગરીતે સગીરાની માતાને લાફો પણ માર્યો હતો. આ બનાવ બાદ સગીરા ખુબ જ બેચેન રહેતી હતી અને ગુરૂવારે રાત્રે ફીનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બેભાન બનેલ કિશોરીને સારવાર અર્થે લઇ જવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.