(સંવાદદાતા દ્વારા) સુરત,૨
સુરતના વરાછા વિસ્તારમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી છેલ્લા સાડા ત્રણ માસથી પ્રેમીએ અવારનવાર શરીર સંબંધ બાંધી તે પળોના ફોટા પાડ્‌યા હતા તેમજ વિડીયો પણ ઉતાર્યો હતો. બાદમાં તેના બે મિત્રોએ એક ફાર્મ હાઉસમાં લઇ જઈ છેડતી કરી યુવતીને ફોટા-વિડીયો વાયરલ કરવાની તેમજ તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે યુવતીએ ગતરોજ પ્રેમી અને તેના બે મિત્રો વિરૂદ્ધ દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વરાછા વિસ્તારમાં રહેતી યુવતીને સાગર વેલજીભાઇ ગજેરા ( રહે.અમૃતકુંજ એપાર્ટમેન્ટ, ખોલવડ ગામ, તા.કામરેજ, જી.સુરત ) સાથે પ્રેમ સંબંધ હતો. સાગરે યુવતીને લગ્નની લાલચ આપી જુદાજુદા સ્થળે લઇ જઈ વીતેલા સાડા ત્રણ માસ દરમિયાન અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો.  એટલું જ નહીં તે અંગત પળોના તેણે ફોટા પાડયા હતા અને વિડીયો પણ ઉતાર્યો હતો. ત્યાર બાદ સાગરના બે મિત્રો જસ્મીન બોડા ( રહે.રીધ્ધી ઓટો, સાગર સોસાયટીના નાકે, કાપોદ્રા સુરત ) અને રમેશ ઘોઘારી (કુંભાર) ( રહે.પુણાગામ, સુરત ) એ પણ યુવતીને ફાર્મ હાઉસમાં લઇ જઈ સાગરે તારા ફોટા-વિડીયો અમને બતાવ્યા છે તે વાયરલ કરી દઈશું તેવી ધમકી આપી છેડતી કરી હતી તેમજ તેના ભાઈને મારી નાખવાની પણ ધમકી આપી બંનેએ આ વાત કોઈને પણ ન કહેવાની પણ ધમકી આપી હતી. સાગરે લગ્નનો ઇન્કાર કરતા યુવતીએ ગતરોજ પ્રેમી તેના બે મિત્રો વિરૂદ્ધ દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.