અમદાવાદ, તા.૨૩
રાજ્યમાં પ્રેમભંગ અને ત્યારબાદ યુગલો વચ્ચે થતાં કાનૂની જંગના કિસ્સાઓ રોજબરોજ પ્રકાશમાં આવતા હોય છે ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં એક અનોખો કિસ્સો આવ્યો હતો. જેમાં બાંગ્લાદેશની વતની એક પ્રેમિકાએ પ્રેમીને માફ કરી દીધો હતો અને તેની સામેની ફરિયાદ રદ કરવાની મંજૂરી આપી હતી. કેસની વિગતો મુજબ બાંગ્લાદેશમાં રહેતી અને ટ્રાવેલ કંપનીમાં કામ કરતી એક યુવતીનો પરિચય સાત વર્ષ અગાઉ યુવતી અત્રે આવતા થયો હતો. ત્યારબાદ યુવક અને યુવતી ફેસબૂક મારફતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને પ્રેમમાં પરિવર્તિત થતાં યુવતી અત્રે આવી ગઈ હતી અને યુવક સાથે લિવઇન રિલેશનમાં રહેવા લાગી હતી. પરંતુ થોડા સમય પહેલાં યુવતીએ લગ્ન માટે દબાણ કરતા યુવકે ઇનકાર કરી દીધો હતો તેથી નારાજ યુવતીએ તેની સાથે છેતરપિંડીની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ રદ કરવા માટે યુવકે કરેલી પિટિશન બાદ કોર્ટે યુવતીને બોલાવીને તેની ઈચ્છા પૂછી હતી. યુવતીએ કોર્ટને કહ્યું હતું કે, તે હવે પોતાના દેશ પરત જવા માગે છે અને વધુ કેસ ચલાવા માંગતી નથી. આમ, સાંભળીને જસ્ટિસ જે.બી. પારડીવાલાએ કહ્યું હતું કે, જો એક વાર ફરિયાદ રદ થશે તો દેશની કોઈ અદાલતમાં આ જ મુદ્દા ઉપર ફરી વખત જઈ શકશે નહિ. તેનો જવાબ આપતા યુવતીએ કહ્યું હતું કે, હવે બંને વચ્ચે કોઈ સંબંધ રહ્યા નથી અમે જો કેસ ચાલુ રાખે તો તેને ભારત આવું પડે. આમ, યુવતીની રજૂઆતો સાંભળીને કોર્ટે તેના પ્રેમી સામેની ફરિયાદ રદ્દ કરી હતી.