૨૪ રાજ્યોમાં વિવિધ ચૂંટણીઓ માટે ઉમેદવારી કરી રહેલા ૧૧૦ મુસ્લિમ ઉમેદવારોમાંથી ૫૭ ઉમેદવારોએ વિજય મેળવ્યો છે

(એજન્સી) વોશિંગ્ટન, તા. ૭
અમેરિકામાં મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરતા સંગઠને જણાવ્યું હતું કે, દેશમાં ચાલી રહેલી રાષ્ટ્રપતિ ચૂંટણીની મતગણતરી દરમિયાન ૫૦થી વધુ અમેરિકન મુસ્લિમ ઉમેદવારો લોકોની સેવા માટે ચૂંટાઇ આવ્યા છે. અમેરિકન-ઇસ્લામિક રિલેશન્સ અંગેની કાઉન્સિલ (સીએઆઇઆર), જેટપેક અને એમપાવર ચેન્જે કહ્યું છે કે, વિવિધ પદો માટે ઉમેદવારી કરી રહેલા ૧૧૦ અમેરિકન મુસ્લિમ ઉમેદવારોમાંથી ત્રીજી નવેમ્બરે પૂરી થયેલી મતદાનની પ્રક્રિયા બાદ ૫૭ મુસ્લિમ ઉમેદવાર એવા છે જેઓએ કાંતો જીત મેળવી લીધી છે અથવા આગળ ચાલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના આવા ૨૪ રાજ્યો છે જ્યાં મુસ્લિમ ઉમેદવારો પ્રતિનિધિત્વ કરશે જ્યારે ૨૦૧૬થી અત્યારસુધીની ચૂંટણીમાં વોશિંગ્ટન, ડીસીમાં સૌૈથી વધુ મુસ્લિમ ઉમેદવારો જીત્યા છે. કેટલાક રાજ્યો એવા છે જ્યાં પ્રથમવાર મુસ્લિમ ઉમેદવાર જીત્યા છે જ્યારે કુલ ૫૭માંથી કેટલાક ઉમેદવારોએ તો મતોની લીડમાં પણ ઇતિહાસ રચી દીધો છે. જેટપેકમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મોહમ્મદ મિસોરીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, મુસ્લિમ ઉમેદવારોએ દેશમાં તથા સમગ્ર વિશ્વમાં ચાલી રહેલા ઇસ્લામોફોબિયાના માહોલને પાછળ રાખીને કટાકટીવાળા ભાગોમાં પણ જીત મેળવી છે અને તેઓ હવે અમેરિકનોના જીવનને અસર કરતી સ્વાસ્થ્ય, અર્થતંત્ર, ક્રિમિનલ લીગલ સીસ્ટમ અને દરેક ક્ષેત્રોમાં પ્રતિનિધિત્વ કરવાનું બીડું ઝડપ્યું છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારા ૧૭૦ મુસ્લિમ ઉમેદવારોનું પ્રતિનિધિત્વ કરી રહેલા જૂથે ત્રીજી નવેમ્બરે સમાપ્ત થયેલા મતદાનમાં પ્રાઇમરી ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોનો ઉલ્લેખ કર્યો ન હતો જેમાં પણ અનેક ઉમેદવારો જીત્યા છે. આ ચૂંટણીમાં ગત ૨૦૧૮માં યોજાયેલી ચૂંટણીઓ કરતા વધુ ૩૦ ઉમેદવારો જીત્યા છે આ પહેલાની પ્રાઇમરી ચૂંટણીમાં ૧૩૪ ઉમેદવારો જીત્યા હતા. જેટપેક, સીએઆઇઆર અને એમપાવરે કહ્યું છે કે, સામાન્ય ચૂંટણીના તમામ પરિણામ આવ્યા બાદ તેઓની યોજના છે કે, ફરીવાર સમગ્ર ચિત્ર સ્પષ્ટ કરવા માટે નવી યાદી પણ બહાર પાડશે.