(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૮
રાજ્યમાં ગ્રામ પંચાયતથી લઇને નગરપાલિકા-મહાપાલિકા કાર્યક્ષેત્રમાં આવતા વ્યવસાયવેરો-પ્રોફેશનલ ટેક્ષ ભરવાપાત્ર વ્યવસાયીઓ, એમ્પ્લોયરોએ વ્યવસાય વેરાની બાકી રકમ તા.૩૧ ઓગષ્ટ-ર૦૧૯ સુધીમાં ભરપાઇ કરે તો દંડ અને વ્યાજમાંથી મુક્તિ આપતી માફી યોજના સરકારે જાહેર કરી છે. રાજ્ય સરકારના નાણાં વિભાગે આ સંદર્ભમાં જારી કરેલા ઠરાવમાં જણાવ્યું છે કે, ઘણા વ્યવસાયીઓ-નોકરીદાતાઓ વ્યવસાયવેરો ભરવાને પાત્ર હોય તેમ છતાં વ્યવસાય વેરાના ટેકસ નેટમાં લાવવાના બાકી રહી ગયેલ છે. જેમાં નાના કારખાનેદારો અને નાના પાયે ધંધો કરનારાઓ, નોકરીદાતાઓ વગેરે સમાવેશ થાય છે. આવા વ્યવસાયીઓ વ્યવસાયવેરા કાયદાની જોગવાઇઓનું પાલન કરવા અને પોતાની ચૂક સુધારવા ઇચ્છા ધરાવતા હોવા છતાં કાયદાની દંડકીય જોગવાઇઓ અને પ્રોસીક્યુુશનના ભયથી પોતાની ચૂક સુધારવા આગળ આવતા નથી. આથી આવા વ્યવસાયીઓ કાયદા ભંગમાંથી બહાર આવે અને ચૂક સુધારી લેવાની તક તેમને આપવામાં આવે તો રાજ્ય સરકારને વ્યવસાય વેરાની આવક પ્રાપ્ત થાય અને આ વ્યવસાયીઓને હાલનાં કાયદાના દંડની દહેશત/ગુનાહિત બોજામાંથી મુક્તિ મળે તે આશયથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. તદ્દઅનુસાર, કરદાતા કે જેઓને વેરો ભરવો છે પરંતુ નોંધણી નંબર મેળવેલ નથી કે નોંધણી નંબર મેળવેલ છે પણ વેરો ભરેલ નથી તેમજ વેરો ઉઘરાવેલ છે પરંતુ સરકારમાં જમા કરાવેલ નથી, તેમને માટે આ રાહત યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત વ્યવસાય કરતી વ્યકિત કે સંસ્થાઓ જેઓ વ્યવસાય વેરા નંબર મેળવવાને પાત્ર થાય છે. પરંતુ વ્યવસાય વેરા એનરોલમેન્ટ નંબર ધરાવતા નથી. તેઓ તા.૧-૬-ર૦૧૯થી તા.૩૧-૮-ર૦૧૯ સુધીના સમય દરમ્યાન વ્યવસાય વેરા નંબર મેળવવા અરજી કરે અને તે સમય દરમ્યાન નિયત દરે ભરવાપાત્ર રકમ સરકારમાં ભરે તેને તરત જ એનરોલમેન્ટ પ્રમાણપત્ર આપવામાં આવશે અને દંડ તેમજ શિક્ષાત્મક કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવશે. જે વ્યવસાયીઓ વ્યવસાય વેરા કાયદા હેઠળ એનરોલમેન્ટ પ્રમાણપત્ર ધરાવે છે. પરંતુ કોઇ કારણોસર વ્યવસાય વેરો ભર્યો નથી તેવા વેરાના કસૂરદારો જેટલા વર્ષનો વ્યવસાય વેરો બાકી હોય તેટલા વર્ષની વ્યવસાય વેરાની રકમ નિયત દરે ભરી નિયત નમૂનામાં અરજી કરે તો આકારવાપાત્ર વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવશે.