જામનગર, તા.૧પ
જામનગરના પ્રોફેસરની મોટર પર ફાયરિંગના ગુન્હાની નોંધાયેલી ફરિયાદમાં ભૂમાફિયા અને કોર્પોરેટરના નામ ખૂલવા પામ્યા છે.
જામનગરમાં ફરિયાદી પરસોત્તમભાઈ રવજીભાઈ રાજાણીએ જણાવ્યા મુજબ તેઓ જામનગરની સત્યમ્‌ કોલોની-એરફોર્સ ૨ રોડ પર આવેલા ઓશવાળ-૩માં ‘ઓમ વીલા’ બંગલામાં રહે છે. તેઓ વ્યવસાયે પ્રોફેસર હોવા ઉપરાંત જમીનની દલાલીનું કામ પણ કરે છે. તેઓએ થોડા સમય પહેલાં ભગવાનજીભાઈ કણઝારીયા નામના વ્યક્તિને રણજીત સાગર રોડ પર આવેલા ક્રિષ્ના પાર્કમાં સર્વે નં. ૯૬૧માં કેટલાક પ્લોટ પોતાના માધ્યમથી વેચાતા અપાવી દલાલી પ્રાપ્ત કરી હતી.
આ સોદો કરોડોની રકમમાં થયો હતો. જેની જાણ જામનગરના કુખ્યાત ભૂમાફીયા જયેશ મુળજીભાઈ રાણપરીયા (પટેલ)ને થતા પરસોત્તમભાઈને છેલ્લા પંદરેક દિવસમાં ઈન્ટરનેટના માધ્યમથી કોલ કરી જયેશ પટેલે સંપર્ક કર્યો હતો અને આ સોદો કેન્સલ કરો તેમ જણાવ્યું હતું. તેમ છતાં સોદો યથાવત રહેતા જયેશ ઉશ્કેરાયો હતો. ત્યારપછી દસેક દિવસ પહેલાં પરસોત્તમભાઈને ફોન કરી ભગવાનજીભાઈની ઓફિસે આવવાનું જયેશ પટેલે કહેતા પરસોત્તમભાઈ ઓફિસે ગયા હતાં જ્યાં જામનગરના વોર્ડ નં. ૧૬નો ભાજપનો નગરસેવક અતુલ ભંડેરી હાજર હતો. તેણે પોતાના મોબાઈલમાંથી જયેશ પટેલને ફોન કરી પરસોત્તમભાઈ સાથે વાત કરાવી હતી જેમાં જયેશે સોદો કેન્સલ ન કરો તો રૃા. એક કરોડ અતુલ ભંડેરીની આપી દો તેમ કહ્યું હતું. રકમ આપવામાં નહીં આવે તો પતાવી દઈશ તેવી ધમકી પણ આપી હતી.
આ ધમકીને ૫રસોત્તમભાઈ પટેલે ગણકારી ન હતી. તે પછી અતુલના ફોન આવતા હતાં તે પણ રીસીવ કરવામાં ન આવતા મામલો ગરમાયો હતો. તે દરમ્યાન બુધવારની રાત્રે એકાદ વાગ્યે પરસોત્તમભાઈ પોતાની હ્યુડાઈ ક્રેટા મોટરમાં બહારથી આવ્યા પછી મોટરને બંગલામાં પાર્કીંગમાં મૂકી સુવા માટે ચાલ્યા ગયા હતાં. સવારે જ્યારે તેઓ તૈયાર થઈને નોકરી પર મહિલા કોલેજે જવા માટે નીકળ્યા ત્યારે તેઓએ ક્રેટાના પાછળના કાચ તૂટેલા જોયા હતા પરંતુ વધુ તપાસ કરવાના બદલે નોકરીએ બીજી મોટરમાં પહોંચી ગયા હતાં જ્યાંથી બપોરે પરત આવ્યા પછી પરસોત્તમભાઈ રાજાણીએ મોટરમાં તપાસતા ફાયરીંગ થયાની આશંકા પડતા તેઓએ સીસીટીવી ફુટેજ ચકાસતા તેમાં રાત્રે દોઢેક વાગ્યે ત્રણ બાઈક પર આવેલા છ શખ્સો પોતાની મોટર પર ફાયર કરી પલાયન થતા અને ફાયરીંગનું બીજા મોટરસાયકલ પર બેસેલો શખ્સ પોતાના મોબાઈલમાં વીડિયોથી શુટ કરતો જોવા મળતા તેઓએ પોલીસને જાણ કરી હતી.
પોલીસે ફૂટેલી ગોળી કબજે કરી છે અને પરસોત્તમભાઈની ફરિયાદ પરથી જયેશ મુળજી રાણપરીયા, નગરસેવક અતુલ ભંડેરી અને તેના મોકલેલા ત્રણ બાઈકમાં સવાર છ શખ્સો સામે આઈપીસી ૩૮૬, ૫૦૭, ૧૨૦ (બી), આર્મ્સ એક્ટની કલમ ૨૫ (૧)(બી), જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે. કુખ્યાત ભૂમાફીયા જયેશ પટેલ સામે દોઢ વર્ષ પહેલાં જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યાની સોપારી આપવા ઉપરાંત જામનગરના બિલ્ડર વી.પી. મહેતાની ઈવા પાર્કમાં આવેલી અંદાજે રૃા. એકસો કરોડની જમીન પચાવી પાડવા સહિતના સંખ્યાબંધ ગુન્હાઓ પોલીસ દફ્તરે નોંધાઈ ચૂક્યા છે.