અમદાવાદ,તા.૨૯
બગોદરા હાઇવે પર આવેલ જોય રેસીડેન્સી સ્કીમ(જોયવીલા એન્ડ રિસોર્ટ)માં પ્લોટના બુકીંગ પેટે નિર્દોષ નાગરિકો પાસેથી ઉઘરાવેલી લાખો રૂપિયાની રકમ ઉઘરાવી બિલ્ડરના ખાતામાં જમા નહી કરાવી ગંભીર પ્રકારની છેતરપીંડી કરવાના પ્રકરણમાં ભોગ બનેલા વચેટિયા એજન્ટોએ મુખ્ય એજન્ટ એવા પ્રોપર્ટી કીટલી કંપનીના કૌશલ શાહ વિરૂધ્ધ જાહેરમાં ખુલ્લો બળવો પોકાર્યો છે. વચેટિયા એજન્ટોને લાખો રૂપિયાનો ચુનો લગાડનાર પ્રોપર્ટી કીટલીના મુખ્ય એજન્ટ કૌશલ શાહ વિરૂધ્ધ બિલ્ડર હિતેશભાઇ સિધ્ધપુરા દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી પરંતુ પોલીસ તરફથી પણ કોઇ નક્કર કાર્યવાહી નહી થતાં હવે છેતરપીંડીનો ભોગ બનેલા વચેટિયા એજન્ટો તેમના ગ્રાહકોના ન્યાય માટે હવે કાનૂની સહારો લે તેવી શકયતા છે. આ માટે આગામી દિવસોમાં તેઓ ગ્રાહક કોર્ટ સહિત કાયદાકીય વિકલ્પો અપનાવે તેવી પૂરી શકયતા છે. આ અંગે વિશ્વકર્મા લડત સમિતિના એજન્ટોએ આજે એક જાહેરમંચ પર આવી ઘરના ઘરનું સપનું જોનારા ૨૦૦થી વધુ ગ્રાહકોનું સપનું રોળી નાંખનારા અને લાખો રૂપિયાની છેતરપીંડી આચરનારા પ્રોપર્ટી કીટલીના કૌશલ શાહ વિરૂધ્ધ કાયદાકીય રાહે સખત પગલા લઇ સખત નશ્યત કરવા માંગણી કરી હતી.