(સંવાદદાતા દ્વારા) વાગરા, તા.૧૬
વાગરા તાલુકાના રાજપુત સમાજના યુવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાજવીઓનું મ્યુઝિયમ બનાવવા આવેદન પાઠવ્યું હતું. આવેદનમાં જણાવ્યા મુજબ નક્કર પરિણામ નહિ આવે તો શહીદ ભગતસિંહના માર્ગે જતા પણ અચકાઈશું નહિની મૌખિક ચીમકી રાજપુત યુવાનોએ મામલતદાર સમક્ષ ઉચ્ચારી હતી. વધુમાં આવેદનમાં જણાવ્યુ છે કે, આપણા દેશમાં મહાપુરૂષો તેમજ દાનવીરોનું સન્માન કરવાની આગવી પરંપરા છે. સરદાર પટેલના પ્રયત્નોથી અલગ અલગ રજવાડાઓમાં વહેંચાયેલો ભારત દેશ અખંડ રાષ્ટ્ર બન્યું હતું.દેશને અખંડ રાષ્ટ્ર બનાવવામાં સમગ્ર રજવાડાઓ એ ઉદારતા તેમજ રાષ્ટ્રપ્રેમ દાખવી પોતાના સામ્રાજ્ય વિસ્તારને હસતા મુખે અર્પણ કરાયા હતા. જે અંતર્ગત કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેનારા ૫૬૨ રજવાડાઓના રાજવીઓ વિશે પ્રજાને જાણકારી આપતું તેમજ તેમનો ઇતિહાસ ઉજાગર કરતું શ્રેષ્ઠ મ્યુઝિયમ બનાવવાની વાત વડાપ્રધાને જાહેરાત કરી હતી. જેને એક વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી, જે દુઃખદ બાબત છે. હાલ ચાલી રહેલ બજેટ સત્ર દરમિયાન ઉપરોક્ત માંગણી સરકાર સમક્ષ પહોંચાડવા માટે વાગરા ના. મામલતદારને વાગરા તાલુકાના રાજપુત સમાજના યુવકોએ આવેદન પાઠવ્યું હતું અને આ સાથે જ આવેદનમાં જણાવ્યા મુજબ કોઈ નક્કર કાર્યવાહી નહિ થાય તો શહિદ ભગતસિંહના માર્ગે પણ જતા અચકાઈશું નહીંની ચીમકી ઉચ્ચારી હતી.