સ્વાતંત્ર્ય દિને રાજ્યપાલ દ્વારા આયોજિત ટી પાર્ટીમાં
મુખ્ય પ્રધાન મમતા બેનરજીને આમંત્રણ આપવા છતાં તેઓ આ બેઠકમાં ગેરહાજર રહ્યાં હતાં

(એજન્સી) તા.૧૭
પ.બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને મુખ્ય પ્રધાન મમતા બેનરજી વચ્ચે ચાલતી તકરારે રવિવારે વધુ ગંભીર સ્વરુપ ધારણ કર્યુ હતું અને રાજ્યપાલ ધનખડે એવો આક્ષેપ કર્યો હતો કે પ.બંગાળ સરકાર પોતાના સત્તાવાર નિવાસસ્થાન રાજભવનની જાસૂસી કરી રહ્યું છે અને સંસ્થાની પવિત્રતાનું અવમૂલ્યન કરી રહી છે. રાજ્યપાલ ધનખડેએ એવું પણ જણાવ્યું છે કે રાજ્યમાં અરાજકતાનો માહોલ છે. રાજ્યપાલ ધનખડે સ્વાતંત્ર્યદિને રાજભવનમાં યોજેલ એક ભોજન સમારોહમાં મમતા બેનરજી હાજર નહીં રહી શકતાં નારાજ દેખાતાં હતાં. રાજ્યપાલે એવો દાવો કર્યો છે કે વિવિધ મુદ્દાઓને લઇને છેલ્લા એક વર્ષમાં રાજ્યની તૃણમૂલ કોંગ્રેસ સરકાર સાથે ગજગ્રાહ ચાલી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં અરાજકતાનો માહોલ છે. મીડિયા સાથેની વાતચીતમાં ધનખડે જણાવ્યું છે કે હું આપ સૌને જણાવવા ઇચ્છું છું કે રાજભવનની જાસૂસી કરવામાં આવી રહી છે તેના કારણે રાજભવનની શાલીનતા ઓછી થાય છે. હું તેની પવિત્રતાનું જતન કરવા માટે બધુ કરીશ. તેમણે જણાવ્યું હતું કે મેં ગંભીર અને મહત્વપૂર્ણ તપાસ શરૂ કરી છે. રાજભવનની કામગીરીની પવિત્રતા અકબંધ રહેવી જોઇએ. જો કે મમતા બેનરજીએ રાજ્યપાલના આ આક્ષેપોનો હજુ સુધી જવાબ આપ્યો નથી. આ અગાઉ ૧૫, ઓગસ્ટે રાજભવનમાં આયોજિત ટી પાર્ટીમાં મમતા બેનરજીને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ મમતા બેનરજી ગેરહાજર રહ્યાં હતાં. પાછળથી રાજ્યપાલે આ પ્રસંગની તસવીર સાથે ટ્‌વીટ કર્યુ હતું કે સ્વાતંત્ર્ય દિને મુખ્ય પ્રધાન અને તેમના અધિકારીઓની ગેરહાજરીથી મારી જેમ ઘણા લોકોને આશ્ચર્ય થયું છે. બીજા ટ્‌વીટમાં તેમણે જણાવ્યું હતું કે ખાલી ખુરશી ઘણું બધું કહી જાય છે. તેના દ્વારા એવો અપ્રિય માહોલ ઊભો થયો છે કે પ.બંગાળની સમૃદ્ધ સંસ્કૃતિ અને મૂલ્યો વચ્ચે તાલમેલ બેસતો નથી.