(એજન્સી) તા.૨૯
પ.બંગાળમાં ભાજપના કાર્યકરોમાં જૂના જોગીઓ અને તાજેતરમાં પક્ષમાં જોડાયેલા નવાગંતુકો વચ્ચે રવિવારે બે અથડામણો થઇ હતી. જે બતાવે છે કે પ.બંગાળ ભાજપ એકમમાં સત્તા માટેનો સંઘર્ષ વધુ ઉગ્ર બની રહ્યો છે. સાઉથ ૨૪ પરગણામાં બારુઇપુર ખાતે ગઇ સાલ ભાજપમાં પક્ષાંતર કરનાર બોલાપુરના પૂર્વ તૃણમૂલ સાંસદ અનુપમ હાઝરાની કાર સામે ભાજપના જૂના કાર્યકરોએ આંદોલન કર્યુ હતું. શનિવારે જેમને ભાજપના રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યાં છે એવા હાઝરા ભાજપની મીટિંગમાં હાજરી આપીને જતાં હતા ત્યારે તેમની કારને અવરોધવામાં આવી હતી. તેઓ કારમાંથી ઉતરી ગયાં હતાં અને આંદોલનકારીઓને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ હાઝરા તુરત સ્થળ છોડીને ચાલ્યાં ગયાં હતા અને ત્યાર બાદ તુરત ભાજપના જૂના અને નવા કાર્યકરો પક્ષના બારુઇપુર એકમના વડા હરીક્રિષ્ન દત્તાની હાજરીમાં એક બીજા સામે લડવા લાગ્યાં હતાં. સૂત્રોએ જણાવ્યું હતું કે હાઝરાને આમંત્રણ આપવા બદલ જૂના કાર્યકરો ગુસ્સે થયાં હતાં. બેઠક ચાલી રહી હતી ત્યારે પક્ષના જૂના જોગીઓએ હુમલો કર્યો હતો. તેમણે પક્ષના સાત કાર્યકરોની મારપીટ કરી હતી અને એક કાર્યકરને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો એવું જિલ્લા સમિતિના એક સભ્યએ જણાવ્યું હતું. શનિવારે ભાજપના પીઢ નેતા રાહુલ સિંહાએ રાષ્ટ્રીય નેતાગીરીમાંથી પોતાની બાદબાકી પર જાહેરમાં પોતાની કડવાશ વ્યક્ત કરી છે. નોર્થ ૨૪ પરગણામાં બશીરહાટ ખાતે જ્યાં ભાજપની બેઠક મળનાર હતી તે કોમ્યુનિટી હોલમાં સ્થાનિક યુવા પાંખના સચિવ મૃત્યુંજયસિંહાના વડપણ હેઠળ ભાજપના કાર્યકરોનું એક જૂથ કોમ્યુનિટી હોલમાં ઘૂસી ગયું હતું અને અથડામણો શરૂ થઇ હતી. આ અથડામણમાં સેંકડો ખુરશીઓની તોડફોડ મચાવવામાં આવી હતી. રાજ્ય ભાજપના મહામંત્રી સયંતન બસુએ જણાવ્યું હતું કે જ્યારે પક્ષનું વિસ્તરણ થઇ રહ્યું હોય છે ત્યારે આ પ્રકારની સમસ્યાઓ ખૂબ જ સામાન્ય છે.