(એજન્સી) કોલકાત્તા, તા.ર૮
તૃણમૂલ કોંગ્રેસના બીરભૂમિ એકમના અધ્યક્ષ અનુબરતા મંડલે આવતા મહિને જિલ્લામાં પ૦૦૦થી વધુ પંડિતોની રેલીનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય એવા સમયે કરાયો છે જ્યારે ભાજપાએ ટીએમસી ઉપર લઘુમતીઓના તુષ્ટિકરણના આક્ષેપો મૂક્યા છે. નોંધનીય છે કે સત્તાધારી પક્ષ દ્વારા યોજાયેલ આ પ્રકારની પ્રથમ રેલી છે. આ નિર્ણયથી પક્ષમાં ફેરબદલ થઈ રહ્યો છે એ સ્પષ્ટ જોઈ શકાય છે. જો કે શાસક પક્ષો મોટે ભાગે મજૂરો, ખેડૂતો દ્વારા શક્તિ પ્રદર્શનનું આયોજન કરે છે.
મંડળે પક્ષના કાર્યકર્તાઓને બીરભૂમિના ૧૯ બ્લોકોમાં રહેતા પ્રત્યેક હિન્દુ પંડિતોની ગણતરી કરવા કહ્યું છે. જેથી ૮મી જાન્યુઆરીએ યોજાનાર રેલીમાં મોટી સંખ્યામાં પંડિતો આવી શકે. ર૦૧૪ના વર્ષ પછી વિશેષ કરી લોકસભાની ચૂંટણીઓ પછી અહીં ભાજપની હાજરી વધી છે. મંડલે જણાવ્યું કે અમે રેલીમાં પંડિતોને ગીતા, શ્રી રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના પુસ્તકો આપીશું અને એ સાથે રામકૃષ્ણનો ફોટો પણ આપીશું. બીજી બાજુ કેન્દ્રમાં સત્તા ધરાવતો પક્ષ ભાજપા પણ અહીં પોતાની હાજરી વધારવાની એક પણ તક છોડતા નથી. ભાજપાએ લઘુમતીને પોતાની તરફ આકર્ષવાના કાર્યક્રમો શરૂ કર્યા છે. આ પહેલા આ વર્ષે થયેલ ચૂંટણીમાં મમતાને પરાજય આપવા ભાજપાએ કેટલાક મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. અહીં દોમકલ અને પુજાલી મુસ્લિમોની બહુલતા છે અને આ નગર નિગમ વિસ્તારોમાં પક્ષે ૧૦ મુસ્લિમ ઉમેદવારોને ચૂંટણીમાં ઊભા રાખ્યા હતા. નવેમ્બર ર૦૧૬માં થયેલ કૂચ બિહારની લોકસભાની પેટાચૂંટણીમાં ભાજપે સારું પ્રદર્શન કર્યું હતું અને ડાબેરીઓને પછાડીને બીજા ક્રમે રહ્યો હતો.