(એજન્સી) તા.૧૫
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ બુધવારે જાહેરાત કરી હતી કે તેમની સરકાર દેશવ્યાપી લૉકડાઉનને કારણે અન્ય રાજ્યોમાં ફસાયેલા રાજ્યના પ્રવાસી મજૂરો અને તેમના પરિવારોની નાણાંકીય સહાય કરશે. આ દરમિયાન રાજ્યમાં વધુ ૧૭ લોકો કોરોના વાઈરસથી ચેપગ્રસ્ત મળી આવ્યાં છે, જોકે પાંચ દર્દીઓને સાજા થયા બાદ હોસ્પિટલથી રજા આપી દેવામાં આવી હતી. બંગાળમાં કોવિડ-૧૯થી ચેપગ્રસ્ત મામલા વધીને ૧૬૩ થઈ ચૂક્યા છે. જો કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તેની વેબસાઇટ પર તેની સંખ્યા ૨૧૩ ગણાવી છે. બેનરજીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અમે અન્ય રાજ્યોમાં ફસાયેલા બંગાળના પ્રવાસી મજૂરો અને તેમના પરિવારજનોની નાણાકીય મદદ કરવાનો નિર્ણય કર્યો છે.
પશ્ચિમ બંગાળ એક ગરીબ રાજ્ય છે. અને અમારી પાસે મર્યાદિત સંસાધનો છે. તેમ છતાં અમે બહાર ફસાયેલા અમારા રાજ્યના નાગરિકોની મદદ કરીશું. બેનરજીએ કહ્યું કે મંગળવારે મુંબઇમાં મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો દ્વારા તેમના મૂળ સ્થળોને મોકલી આપવાની માગ કરાયા પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યને સંબોધીત કર્યુ હતું. અમે પણ તેમની સાથે વાતચીત કરી હતી.
ટીએમસી નેતાએ કોઈનું નામ લીધા વિના જ બધાને મહામારીથી સર્જાયેલા સંકટ વચ્ચે કોમવાદી અને નીચલી કક્ષાની રાજનીતિ ન કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા જૂનમાં આયોજિત કરવામાં આવશે. ક્લાસ ૧૧ અને કોલેજના વિદ્યાર્થીઓને આગામી ક્લાસ અને સેમેસ્ટર માટે આગળ ધપાવાશે.